ચૂંટણી:પાલિકાના 8 હજાર કર્મી ચૂંટણીમાં જોતરાતાં મૂળ કામગીરી ખોરવાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્શન નજીક આવે છે તેમ માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચાર માટે રેલીઓ તથા સભાઓના આયોજન વચ્ચે આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ ન થાય તેની તકેદારીએ ચૂંટણી પંચે વિધાનસભા બેઠકો પર નોડલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરી છે. જેમાં પાલિકાના 8061 કર્મચારીઓને પણ ચૂંટણી પ્રક્રિયામાં સમાવી લેવાયા છે. પાલિકાના આ કર્મીઓ હવે મત ગણતરી સુધી ચૂંટણી કામગીરીમાં જ વ્યસ્ત રહેશે. જેના લીધે પાલિકાની મૂળ કામગીરી પણ ખોરંભે ચઢશે. બુધવારે સવારથી જ પાલિકાના વિવિધ ઝોન અને વિભાગોમાં કાર્યરત કર્મીઓને ચૂંટણીમાં કયા સ્થળે કઇ જવાબદારી અદા કરવાની છે? તેની માહિતી સાથે ઓર્ડર કોપી ઇસ્યુ કરાઇ હતી. નક્કી થયેલા કર્મીઓ હવે મૂળ કામગીરીના બદલે ચૂંટણી પ્રક્રિયા નિયત જવાબદારી નિભાવશે. ગુરુવારથી હવે વર્કશોપ પર ટ્રેનિંગમાં પણ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

ઝોન સ્તરે કાર્યપાલક ઇજનેરોને નોડલ બનાવાયા
પાલિકાના 8061 કર્મીઓને આચાર સંહિતાના અમલીકરણની જવાબદારી પણ નિભાવવાની રહેશે. જેના માટે નવનિયુક્ત ડે. કમિશનર જે. એન. વાઘેલાને મુખ્ય નોડલ ઓફિસર જ્યારે પાલિકાના ઝોન સ્તરે જે તે કાર્યપાલક ઇજનેરો અમલીકરણ માટે સેકન્ડ લેવલના નોડલ ગણાશે..

વર્ગ-4ના સૌથી વધુ 4 હજારથી વધુ કર્મીઓ જોડાશે
આગામી ચૂંટણી પ્રક્રિયા માટે પાલિકાના કર્મીઓને પ્રિસાઇડીંગ તેમજ આસિસ્ટન્ટ પ્રિ-સાઇડિંગ સહિતના ઓર્ડર મળ્યાં છે. તેમની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવાઇ છે. પાલિકાના વર્ગ-1ના 22 કર્મીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાશે. તેવી જ રીતે વર્ગ-2ના 200, વર્ગ-3ના 3600થી વધુ અને વર્ગ-4ના 4 હજારથી વધુ કર્મીઓની ચૂંટણી કામગીરી માટે પસંદગી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...