વેક્સિનેશન:શહેરમાં 80% વેક્સિનેશન પૂર્ણ પણ બંને ડોઝ લેનારા માત્ર 25% દિવાળી પહેલાં તમામ 33 લાખ લોકોને વેક્સિન આપી દેવા કવાયત

સુરત5 મહિનો પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટાર્ગેટ પૂરો કરવા પાલિકા હવે ‘નોક ધ ડોર’ કેમ્પેઈન શરૂ કરશે, વેક્સિન નહીં લેનારાને ઘરે ઘરે જઈને સમજાવશે
  • બીજો ડોઝ લેવાની મુદત વીતી ગઈ હોય તેવા એક લાખ લોકોનું વેક્સિન ેશન હજુ બાકી, ચૂંટણીના ડેટા મુજબ વેક્સિનેશનનો ટાર્ગેટ અપાશે

દિવાળી પહેલા સુરતમાં તમામ 33 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ પાલિકાએ નક્કી કર્યો છે. આ માટે ‘નોક ધ ડોર કેમ્પેઈન’ શરૂ કરાશે. એનજીઓની મદદથી શરૂ કરવામાં આવનારા આ કેમ્પેઈનમાં જેમણે પહેલો કે બીજો અથવા બંન્ને ડોઝ લીધા નથી તેમનો ઘરે ઘરે જઈ સરવે કરવામાં આવશે. અને તેઓ નજીકના સેન્ટર પર વેકિસન લેવા જાય ત્યાં સુધી સમજાવીને તેમનું મોનીટરીંગ કરવામાં આવશે.

સુરતમાં 18 પ્લસના 33 લાખ લોકોને રસી આપવાની થાય છે. આમાંથી હાલ 80 ટકા વેકિસનેશન થયું છે. એટલે કે 26,83,674 લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે જયારે 8.52 લાખ એટલે કે 25 ટકા લોકોએ બંન્ને ડોઝ લીધા છે. હજુ પ્રથમ ડોઝ લેનારા એક લાખથી વધુ લોકોનો બીજો ડોઝની તારીખ ડયુ થઈ ગઈ હોવા છતાં વેક્સિન લીધી નહીં હોવાનું જાણવા મળ્યું છે. ‘નોક ધ ડોર’ કેમ્પેઈન’ દ્વારા ખાસ બીજા ડોઝ લીધો નથી તેવા લોકોને આવરી લેવામાં આવશે. બુધવારે અને રવિવારે માત્ર સેકન્ડ ડોઝ વાળા માટે જ રસીકરણ હાથ ધરવામાં આવશે

કતારગામ, લિંબાયત અને ઉધનામાં સૌથી ઓછું 60થી 70 ટકા વેક્સિનેશન
ત્રીજી વેવ અંગે મહાપાલિકાના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં તાકીદ કરવામાં આવી છે. દિવાળી પહેલાં તમામને રસી મળી રહે તેવું આયોજન તમામ ઝોનના અધિકારીઓએ કરવાનું રહેશે. તમામ ઝોનમાં ઇલેક્ટોરલ ડેટા મુજબ વેક્સિનેશનના ટાર્ગેટ આપવાની શરૂઆત થઈ છે. જ્યારે કતારગામ ઝોન, ઉધના ઝોનમાં વેક્સિનેશન ઓછું હોય આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટર વધુ કાર્યરત કરવા પણ સૂચના અપાઈ છે. હાલ પાલિકાને રસીનો વધારે સ્ટોક મળી રહ્યો હોવાથી દસેક દિવસથી વધુને વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે બાકી હોય તેમને બીજો ડોઝ અપાઇ રહ્યો છે. દર બુધવારે બીજા ડોઝની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત યુનિ., કોલેજોમાં 18થી ઉપરના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે. તેથી 76 ટકા જેટલું રસીકરણ પહોંચી ગયું છે.

પ્રથમ ડોઝ :26,83,674
બીજો ડોઝ : 8,52,568
કુલ ડોઝ : 35,35,242
વેક્સિન આપવાનો ટાર્ગેટ: 33,00,000 (18+ના લોકોને)

રવિવારે બંધ રહ્યા બાદ સોમવારે 42,500 લોકોને વેક્સિન અપાઇ
રવિવારે બંધ રહ્યા બાદ શહેરમાં સોમવારે રસીકરણ અભિયાનમાં 42500 લોકોએ ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં આવતીકાલ મંગળવારે રસીકરણની કામગીરી ચાલુ રહેનાર છે. જેમાં 79 કોવિશીલ્ડના કેન્દ્ર પર પ્રથમ ડોઝ, 54 કોવિશીલ્ડના કેન્દ્ર પર સેકન્ડ ડોઝ, ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે 8 કેન્દ્ર , વિદેશ જતા નાગરિકો માટે 2, સગર્ભા બહેનો અને 65 વર્ષથી વધુ વયના લાભાર્થી માટે 8 કેન્દ્ર તથા કોવેક્સીનના 12 રસીકરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ, ચાર સાજા થયા
શહેરમાં 1 અને જિલ્લામાં 3 કેસ સાથે સોમવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 143574 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. સોમવારે શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 2 દર્દીઓ મળી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141408 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 52 નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...