ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલાયો:રાંદેરમાં 8 માસ અગાઉ પે એન્ડ યુઝ શૌચાલયના વોચમેનની હત્યા રૂપિયાની લેતી દેતીમાં થયાનું ખુલ્યુ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે આરોપીને આઠ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા છે. - Divya Bhaskar
બે આરોપીને આઠ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા છે.

સુરતના અડાજણ બસ ડેપો પાસે આવેલા એસએમસીના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની આઠ માસ અગાઉ હત્યા કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ 8 માસ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો હતો.આ ગુનામાં આંતર રાજ્ય ગેંગના બે સાગરીતોની સંડોવણી બહાર આવી હતી.બંને આરોપીઓ ધાડ પાડવાના ગુનામાં મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાની જેલમાં બંધ હતા.

આઠ માસે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
અડજણ બસ ડેપો નજીક હોપ પુલના છેડે આવેલ એસ.એમ.સી.ના જાહેર પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની ગત તા-૦૫/૦૫/૨૦૨૨ના રોજ કોઇ અજાણ્યા ઇસમ દ્વારા શૌચાલયમાં આવેલા રૂમમાં તીક્ષ્ણ હથીયારના ઘા ઝીકી હત્યા કરી હતી. આ મામલે રાંદેર પોલીસ મઠકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. આખરે 8 માસ બાદ આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

મધ્ય પ્રદેશની જેલમાં બંધ હતા આરોપીઓ
આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં પહોચી હતી. ત્યાં પહોચેલી ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, આરોપીઓ હાલ ધાડ પાડવાની તૈયારી કરવા બાબતના ગુનામાં મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાની જેલમાં કેદ છે. જેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં જઈને આરોપી પંકજ ઉર્ફે ગલિયો કૈલાશ રાઠોડ અને શિવા હિરાલાલ ચૌહાણની કડક પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બંને આરોપીની મધ્યપ્રદેશની જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી સુરત લઈ આવી હતી.

રૂપિયાની લેતીદેતીમાં વોચમેનની હત્યા કરી હતી
પોલીસની પૂછપરછમાં આરોપીઓ મૃતક વોચમેન સાથે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો અને તે ઝઘડાની અદાવતમાં પોતાના મિત્રો સાથે મળી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. વધુમાં ધરપકડ કરાયેલ આરોપીઓ ખુબ જ રીઢા ગુનેગારો છે. તથા મધ્યપ્રદેશ ખાતે આ આરોપીઓ વિરુધ્ધમાં અનેક ચોરી,ઘરફોડ તથા ધાડ પાડવાની તૈયારી કરવા બાબતના ગુનાઓ નોંધાયેલ છે.

આરોપીઓ મધ્યપ્રદેશમાં હથિયાર સાથે ધાડ પાડવાની તૈયારી કરતા હતા
ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, હત્યા કર્યા બાદ આરોપીઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લા ખાતે જઈ રહ્યા હતા અને ત્યાં આમ્ર્સ સાથે ધાડ પાડવાની તૈયારીઓ કરતા હતા. આ ગેંગના આરોપીઓ આંતરરાજ્ય ગેંગના ખુંખાર આરોપીઓ છે. પંકજ ઉર્ફે ગલિયો કૈલાશ રાઠોડ વિરુદ્ધ ઘરફોડ, ધાડ, આમર્સ સહીતના ૯ ગુના જયારે શિવા હિરાલાલ ચૌહાણ વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા છે. આરોપીઓએ ચોકીદારની હત્યા કરી સુરત છોડી ફરાર થઇ ગયા હતા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ 8 મહિનાથી મહેનત કરી હતી. આરોપીઓ સુરતમાં રહીને કોન્ટ્રાક્ટ પર રહીને કામ કરતા હતા અને બાદમાં ગુનાઓ આચરતા હતા.

અન્ય સમાચારો પણ છે...