તાજેતરમાં જ કતારગામમાં બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખવાના જધન્ય અપરાધ કરનારા આરોપી મુકેશ પંચાલને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ કુલ 8 ફાંસીની સજાઓ જાહેર થઈ ચૂકી છે અને એક વર્ષના ગાળામાં પોક્સો સહિતના કેસોમાં 60થી વધુ સજાઓ પણ થઈ છે. તેમ છતાં શહેરમાં પરપ્રાંતિય સહિતના વિસ્તારોમાં બાળકી-કિશોરીઓ પર થતાં બળાત્કારના બનાવો ઘટવાનું નામ લઇ રહ્યા નથી.
વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2022માં કુલ 28 જેટલાં કેસ વધ્યા છે. કોરોના અને અગાઉના પિરિયડથી પોક્સો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે આજે પણ યથાવત છે. પોલીસની ઝડપી ચાર્જશીટ, સરકારી વકીલોની દોડાદોડી અને કોર્ટની ઝડપી ટ્રાયલ વચ્ચે પણ પોક્સોના કેસો સતત વધ્યા છે. પાંચ વર્ષમાં 1500 જેટલાં કેસ શહેર-જિલ્લામાં નોંધાઈ ચૂક્યા છે. અલબત્ત, આમા અનેક કેસોના કોર્ટ દ્વારા ઝડપી નિકાલ પણ કરવામાં આવ્યો છે.
ક્રાઇમ રેશિયો : છેલ્લા 5 વર્ષમાં આ રીતે પોક્સોના કેસોમાં વધારો થયો
પોક્સોના વધતાં કેસોની વાત કરીએ તો વર્ષ 2018માં પોક્સોના 274 કેસો હતા, જે વર્ષ 2019માં વધીને 358 થયા, વર્ષ 2020માં તે 290 થયા તથા વર્ષ 2021માં તે 309 પર પહોંચ્યા અને 2022માં તે 303 થયાં. એક રીતે જોઈએ તો વર્ષ 2019માં સૌથી વધુ કેસો હતા. ત્યારબાદ તેમાં ઘટાડો થયો પરંતુ 2018ની સરખામણીમા કેસો વધુ છે.
પાર્ટનર ન હોય તો બાળકી શિકાર બને
છેલ્લાં એક વર્ષ દરમિયાન 40 જેટલી સજાઓ અપાવનારા એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે, આવા ગુના સમાજ માટે કલંક સમાન છે. માટે જ આરોપીઓને ઝડપી સજા મળે એ માટે ચાર્જશીટ, ચાર્જફ્રેમ અને ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે છે. એડવોકેટ ઝમીર શેખ કહે છે કે, પરપ્રાંતિ વિસ્તારમાં કેસો વધુ છે. વાઇફ કે પાર્ટનર સાથે ન હોય તો બાળકીઓને હવસનો શિકાર બનાવે છે. ઉપરાંત મોબાઇલ પર પોર્ન વીડિયો જોવામાં કોઈ રોકટોક કે પ્રતિબંધ નથી. જેને કારણે બનાવો સતત વધી રહ્યા છે.
શાળાઓની બેડ ટચ-ગુડ ટચ જાગૃતિ સૌથી વધારે કામ લાગી
અનેક શાળાઓમાં શહેર પોલીસ દ્વારા બેડ ટચ અને ગુડ ડચની મુહિમ ચલાવવામાં આવી હતી. જેનો પણ ખૂબ જ ફાયદો થયો હતો. અનેક બાળાઓ-કિશોરીએ તેમાંથી ઘણુ જ શીખી હતી અને કેટલીક ફરિયાદો પણ તેના આધારે આરોપીઓ સામે નોંધાઈ હતી. કોર્ટમાં પણ અને બાળાઓ અને કિશોરીએ મક્કમતાપૂર્વક જુબાનીઓ આપી છે.
પાંડેસરાની એ બાળા કે જેને બળાત્કાર બાદ ભારે પીડા સહન કરવી પડી હતી. તેણી હવે સ્કૂલે જવા લાગી છે. તેની હિંમતની મિસાલ સમગ્ર શહેરે જોઈ છે. એડવોકેટ શ્વાતિ મહેતા કહે છે કે પોલીસ અને ન્યાયતંત્રના લીધે અનેક કેસોમાં ઝડપી ન્યાય શક્ય બન્યો છે. માતા-પિતા પણ પોતાના બાળકો અને ખાસ કરીને બાળકીઓ પ્રત્યે સજાગ રહે, પોતાની દેખરેખમાં રાખે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.