સંચાલકોની મનમાની:સુરતમાં ભાજપના નેતાના ભાઈની સ્કૂલમાં મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ, એક બેન્ચમાં 3-3 વિદ્યાર્થીને બેસાડ્યા, CMએ કહ્યું- નિયમ ભંગ ચલાવી નહીં લેવાય

સુરત3 મહિનો પહેલા
મંજૂરી વિના ધોરણ-8ના વર્ગો શરૂ કરી દીધા અને કોરોના ગાઇડલાઇન્સનું પણ ઉલ્લંઘન કર્યું.
  • શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવના જોખમે ધોરણ-8ના વર્ગો શરૂ કરી દીધા
  • ઘટનાની જાણ થતાં પોલીસકાફલાએ ગજેરા સ્કૂલ પર પહોંચીને તપાસ શરૂ કરી, નિવેદનો લેવાયાં
  • સ્કૂલ સામે સરકારે કડક પગલાં લેવા જોઈએઃ પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા

શાળાના સંચાલકો પોતાની મનમાની કરતા હોય એવી સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે. કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, પરંતુ એટલું પૂરતું ન હોય, વર્ગખંડની બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે, પરંતુ એ પહેલાં જ શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવના જોખમે શાળા શરૂ કરી દીધી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નિયમ ભંગ ચલાવી નહીં લેવાય. અત્રે ઉલ્લેખનિય છે કે ગજેરા સ્કૂલ હાલમાં જ ભાજપમાં જોડાયેલા ધીરૂ ગજેરાના ભાઈ વસંત ગજેરાની છે.

શાળાના સંચાલકો કેમ બેદરકાર થઇ રહ્યા છે એ મોટો પ્રશ્ન
ગજેરા સ્કૂલ સુરતની કેટલીક નામાંકિત સ્કૂલો પૈકીની એક છે. આવી સ્કૂલો પણ પોતાના વિદ્યાર્થીઓના જીવના જોખમ ઊભા કરે એવા નિર્ણયો લે છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે. બાળકોના સ્વાસ્થ્યને લઇને સરકાર જ્યારે આટલી ગંભીર છે ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકાર થઇ રહ્યા છે એ મોટો પ્રશ્ન છે. કોરોના સંક્રમણના શરૂઆતના તબક્કાથી અત્યારસુધીમાં સરકારે સૌથી વધુ કોઈની ચિંતા કરી હોય તો એ તે શાળા અને બાળકોને લઈને છે.

50 ટકાની ક્ષમતાની જગ્યાએ ક્લાસમાં ખીચોખીચ બાળકોને બેસાડ્યાં.
50 ટકાની ક્ષમતાની જગ્યાએ ક્લાસમાં ખીચોખીચ બાળકોને બેસાડ્યાં.

છેલ્લા ત્રણ દિવસથી બાળકો સ્કૂલમાં આવે છે
છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાળકો છેલ્લા ત્રણ દિવસથી શાળામાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા જે પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે એમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને શાળાના વર્ગખંડોમાં હાજર રાખવા. ગજેરા સ્કૂલમાં તો ગેરકાયદે રીતે સરકારની મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ થઈ ગયા, પરંતુ એટલું પૂરતું ન હોય એમ વર્ગખંડની બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. એ જોતાં સ્પષ્ટ થાય છે કે શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી.

ઘટનાની જાણ થતાં પોલીસે સ્કૂલ ખાતે પહોંચી નિવેદનો લીધાં.
ઘટનાની જાણ થતાં પોલીસે સ્કૂલ ખાતે પહોંચી નિવેદનો લીધાં.

પોલીસે સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં પોલીસકાફલાએ ગજેરા સ્કૂલ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. આ બાબતે શાળાના સંચાલકો હજી મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે કે શાળાને મંજૂરી ન હોવા છતાં ધોરણ-8ના વર્ગ કેવી રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી હવે આ બાબતે કયા પ્રકારનાં પગલાં લે છે એ જોવું મહત્ત્વનું બની રહેશે.

સ્કૂલમાં ભાગદોડ મચી ગઈ હતી.
સ્કૂલમાં ભાગદોડ મચી ગઈ હતી.

બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવી જોઇએઃ અમિત ચાવડા
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરતમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની શાળા ચાલુ હતી. આ મુદ્દે સરકારે કડક પગલાં લેવા જોઈએ. મને એ સમજાવો કે ભાજપના નેતાઓ માટે નિયમો જુદા અને સામાન્ય લોકો માટે નિયમ જુદા કેમ હોય!, ભાજપ સરકારે મારા-તારાનો ભેદ ભૂલીને આવી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવી જોઇએ.

ધો. 8ને મટિરિટલ માટે બોલાવ્યા હતા
અમે માત્ર ધોરણ-8ના વિદ્યાર્થીઓને અને તે પણ એસાઇમેન્ટ અને સ્ટડી મટીરીયલ આપવા બોલાવ્યા હતા. જે વીડિયો ફરતો થયો છે એ ધોરણ-9નો છે. સ્કૂલને ખોટી રીતે બદનામ કરાય છે. > ચુનીલાલ ગજેરા, ટ્રસ્ટી, ગજેરા વિદ્યાભવન

સ્કૂલ માન્યતા પણ રદ થઈ શકે છે
વાલીઓની જગ્યાએ વિદ્યાર્થીઓને બોલાવતા નોટીસ આપી છે, જેમાં દંડથી માંડી માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. કોઈ પણ સ્કૂલ 9થી 12 સિવાયના વિદ્યાર્થીઓને બોલાવશે તો કડક કાર્યવાહી કરાશે. > એચ. એચ. રાજ્યગુરૂ, ડીઇઓ

ટ્રસ્ટી-DEO સામે કડક કાર્યવાહી કરો
સરકારની મંજૂરી વિના ગજેરા વિદ્યાભવને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવ્યા હતા. અમારી વાલીઓની માંગ છે કે સ્કૂલ એસઓપીનું પાલન નહીં કરે તો ટ્રસ્ટી અને ડીઇઓ સામે કડક કાર્યાવાહી કરવામાં આવે. > ઉમેશ પંચાલ, પ્રમુખ, વાલી મંડળ

શિક્ષકોએ મેસેજ કરી બોલાવ્યા હતા
શિક્ષકોએ વોટ્સ એપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે ઓનલાઇન એજ્યુકેશન અપાશે નહીં. જેથી વિદ્યાર્થીઓએ ફરજિયાત ક્લાસમાં હાજર રહેવું પડશે. વિદ્યાર્થીઓએ વાલીઓ પાસે સંમતિ પત્રક ભરીને આ વવાનું રહેશે. > અલ્પાબેન કાકડીયા, વાલી