ઉજવણી:સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો 79મો સદ્‌ભાવ પર્વ ઉજવાયો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતના સરથાણામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 79મો સદ્‌ભાવ પર્વ ઉમંગ અને ઉલ્લાસસભર માહોલમાં ઉજવાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયે સમગ્ર ગુજરાત અને ભારતમાં સામાજિક અને આધ્યાત્મિક ચેતાનાઓનો સંચાર કર્યો છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન બીજાના આંસુ લૂછવાનું કાર્ય કરે છે. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખીનો ભાવ તેની સમગ્ર સેવાપ્રવૃતિમાં સમાયેલો છે. તેની સેવાની જ્યોત માત્ર ભારતમાં જ નહીં, બલ્કે વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં પ્રજ્જ્વળે છે.

સદ્‌ભાવ પર્વ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાયો હતો. સહુ કોઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી. સંતોનાં હૈયે દિવ્ય આનંદની ભરતી ઊમટી હતી. સવારથી જ ઉત્સવનો માહોલ છવાયો હતો. સવારના સમયે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીબાપા સ્વામીબાપાની સન્મુખ શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના 79મો સદ્ભાવ પર્વે કીર્તન ભક્તિ સ્વરાંજલિ, પૂજન, અર્ચન, આરતી તેમજ અન્નકૂટ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. આ રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાનનાં લીલાચરિત્રો યાદ કરવાથી સદાય આનંદની અનુભૂતિ થાય છે. વ્યસન અને ફેશન દ્વારા પ્રાપ્ત થતો આનંદ ક્ષણિક અને નાશવંત છે, પ્રભુભક્તિથી પ્રાપ્ત થતો આનંદ અવિનાશી છે.

વૈશ્વિક મહામારી કોરોનામાં દિવંગત થયેલાં માનવોના કલ્યાણાર્થે પ્રાર્થના તથા ધૂન કરવામાં આવી હતી. દેશ-વિદેશના હજારો હરિભક્તો માટે સદ્‌ભાવ પર્વ અવિસ્મરણીય બની રહ્યું. સૌએ ઓનલાઇન દર્શનનો લહાવો લીધો હતો.