સુરતમાં રહેતા યુવકને ટેલીગ્રામ મારફતે સંર્પક કરી પાર્ટટાઈમ જોબની ઓફર આપી અલગ અલગ ટાસ્ક પેટે ૭.૬૪ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલ્હી ખાતેથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
પાર્ટ ટાઇમ જોબન નામે ઠગાઈ
સુરતમાં રહેતા યુવકને ૨૧-૧૧-૨૦૨૨ થી ૩૦-૧૧-૨૦૨૨ સુધી ટેલીગ્રામ ઉપર આંકાશા, ગંગા દીપર નામના ઈસમો થકી ટેલીગ્રામ પર અને મોબાઈલ પર ફોન કરી પાર્ટટાઈમ જોબ આપવાની વાતચીત કરી હતી. યુવકે પાર્ટટાઈમ જોબ માટે સહમતી દર્શાવતા તેને એક લીંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
યુવકને જુદા જુદા ટાસ્ક આપી રૂપિયા પડાવી લેવાયા
યુવકે સહમતી દર્શાવતા તેને પ્રથમ એક ટાસ્ક આપવામાં આવ્યો હતો.યુવકે તે ટાસ્ક પૂરો કર્યો હતો.જેથી પ્રથમ તેને ૮૦૦ રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવકે ૧.૦૬ લાખ રૂપિયા ટાસ્ક માટે ચૂકવતા તેને ૧.૩૧ લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.જેથી યુવકને વિશ્વાસ આવી જતા આગળનો ટાસ્ક મેળવવા માટે ટોળકીએ ૭.૬૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને બાદમાં કોઈ ટાસ્ક ન આપી તેમજ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરવામાં આવી હતી.
ઠગાઈ નું માલુમ પડતા ફરિયાદ નોંધાવી
યુવકને ટાસ્ક આપવાના બંધ કરી દેવામાં આવ્યા અને રૂપિયા પણ પરત આપવામાં ન આવ્યા કે કોઈ જોબ પણ આપવામાં ન આવી જેને લઇ તેને ખબર પડી હતી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા યુવકે આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક આવ્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવી સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર પોલીસે દિલ્હીથી ત્રણની ધરપકડ કરી
ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન સાયબર સેલ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરી છેતરનાર ત્રણ આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યા હતા.આ અંગે સાયબર સેલ એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ગુનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી ખાતેથી અમિત નરેકુમાર સુખદેવ ગહેલાવત [ઉ.૩૨], મન્નુ મુલખરાજ ગુરદીતામલ [ઉ.૪૪] અને રમણ વિનોદકુમાર જયગોપાલ ગોલા [ઉ.૪૭] ની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓએ પડાવેલી તમામ રકમ કબજે કરવામાં આવી છે. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અન્ય વ્યક્તિ સાથે પણ આવી રીતે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.