ઠગાઈ:સહારા દરવાજાના વેપારી સાથે 76 લાખની છેતરપિંડી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોલકાતાના ઠગે આપેલા ચેક રિટર્ન થયા

સહારા દરવાજાના વેપારી સાથે કોલકાતાના ઠગે ઉધારમાં 76 લાખ નું કાપડ લઇ છેતરપિંડી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે સ્વસ્તિક રેસિડેન્સીમાં રહેતા અરવિંદ ત્રિભુવનના પટેલ સલાબતપુરામાં સહારા દરવાજા નજીક રોનક ટેક્સટાઈલ નામથી કાપડનો વેપાર કરે છે. 2015માં સણિયા હેમાદની ઓમ વાસ્તુ સોસાયટીમાં રહેતો મૂળ રાજસ્થાનનો કાપડ દલાલ મદનસિંગ ભોપાલસિંગ નિરબાન અરવિંદની દુકાને આવ્યો હતો.

મદનસિંગે કહ્યું કે તેના સંપર્કમાં ઘણાં વેપારીઓ છે જેમને ઉધારમાં કાપડ આપવાથી સમય પર પેમેન્ટ મળી જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યાર બાદ મદનસિંગ મૂળ કોલકાતાના પુષ્પેન્દ્રસિંગ ગુલાબસિંગ સાથે અરવિંદની દુકાને આવ્યો હતો. પુષ્પેન્દ્ર કોલકાતામાં સુરત ટેક્સટાઈલના નામથી વેપાર કરે છે. પુષ્પેન્દ્ર કોલકાતામાં બારતલ્લા વિસ્તારમાં વેપાર કરે છે. સુરતમાં અલથાણ કેનાલ રોડ પર શ્રૃંગાલ હિલમાં તેમજ કામરેજના ધર્મરાજ એપાર્ટમેન્ટમાં રહે છે.

પુષ્પેન્દ્રસિંગે 60 દિવસમાં પેમેન્ટ કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યાર બાદ પુષ્પેન્દ્રએ 76 લાખનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. પરંતુ તેને તેનું પેમેન્ટ આપ્યું ન હતું. તેને આપેલા 8 ચેક પણ બેલેન્સના અભાવે રિટર્ન થયા હતા. દરમિયાન માર્કેટમાંથી જાણવા મળ્યું કે પુષ્પેન્દ્રએ અન્ય વેપારીઓ સાથે પણ આવી રીતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. અરવિંદે પુષ્પેન્દ્ર અને દલાલ મદનસિંગ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...