સુરતના વરાછા બરોડા પ્રીસ્ટેજ નવી શકિત સોસાયટીની સામે ઘનશ્યામનગર વિભાગ 2માં દુકાન અને ગોડાઉન ધરાવતા તેલના હોલસેલ વેપારીને ત્યાં ચોરી થઈ હતી. અહિં નોકરી કરતા રાજસ્થાની નોકરે બનેવી સાથે મળી 7.53 લાખના તેલના ડબ્બા અને અન્ય સામાનની ચોરી કરી હતી. વેપારીએ કરેલી અરજીના આધારે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોડાઉનની ચાવી તેમની પાસે હતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા લંબે હનુમાન રોડ એસએમસી ઝોન ઓફિસની બાજુમાં વિક્રમનગરની સામે જોલી એન્ક્લેવ સી/902 માં રહેતા હરેશભાઇ નંદલાલભાઇ રાજા વરાછા બરોડા પ્રીસ્ટેજ નવી શકિત સોસાયટીની સામે ઘનશ્યામનગર વિભાગ 2 શેરી નં.15-16 પ્લોટ નં.68 માં ન્યુ જગદંબા ટ્રેડીંગ કંપની તથા શ્રી જગદંબા સ્ટોર્સના નામે તેલનો હોલસેલ વેપાર અને જનરલ સ્ટોર ધરાવે છે.તેમને ત્યાં વર્ષ 2013 થી કામ કરતા કિશોરકુમાર મદનલાલ તૈલી ( રહે.ગવાડા, જી.પાલી, રાજસ્થાન ) એ વર્ષ 2016 માં કામ છોડયું ત્યારે પોતાના સાળા નરેશ રામજીલાલ તૈલી ( રહે.બધાના, જી.રાજસંમદ, રાજસ્થાન ) ને કામ ઉપર મુક્યો હતો.નરેશ દુકાનનું તમામ કામકાજ સંભાળતો હતો અને દુકાન તેમજ ગોડાઉનની ચાવી તેની પાસે રહેતી હતી.ગત 21 જુલાઈ 2022 ના રોજ નરેશે પિતા વતનથી આવ્યા હોય રજા લીધી હતી.
તાળા બદલી નાખ્યા હતા
પિતાને અકસ્માત નડતા તે નોકરી ઉપર નહીં આવતા હરેશભાઇએ 2 ઓગષ્ટના રોજ દુકાન ખોલી સાફસફાઈ કરી ગોડાઉન ખોલતા તેમાં તેલના ડબ્બા ઓછા લાગતા દુકાનના તાળા બદલી નાંખ્યા હતા. બીજા દિવસે મળસ્કે સીસીટીવી કેમેરા ચાલુ કરી નજર રાખી તો એક ટેમ્પો અને બે માણસ નજરે ચઢતા પોલીસને જાણ કરી હતી. જોકે, તેમણે કોઈ ચોરી કરી ન હોય કોઈ ફરિયાદ કરી નહોતી.પણ તેમના સીસીટીવી કેમેરામાં 60 દિવસના ફૂટેજ રહેતા હોય ચેક કરતા 25 જૂન થી 30 જુલાઈ દરમિયાન નરેશે તેના બનેવી સાથે મળી દુકાન અને ગોડાઉનમાંથી તેલના ડબ્બા અને અન્ય સામાનની આઠ વખત ચોરી કરી હતી.તે પૈકી 22 અને 30 જુલાઈએ ચોરેલા તેલના 94 ડબ્બાના રૂ.2.11 લાખ આપી દીધા હતા. પરંતુ તે પહેલા કરેલી રૂ.7.53 લાખના તેલના 236 નંગ ડબ્બા અને અન્ય સામાનની ચોરી અંગે ગતરોજ હરેશભાઇએ સાળા-બનેવી તેમજ ટેમ્પો ડ્રાઈવર અને અન્યો વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.