છત વિહોણા પરિવારોને ઘરનું ઘર મળે તે માટે પાલિકાએ નાણાંકીય વર્ષ 2022-23માં 15 હજારથી વધુ આવાસ બનાવવાની તૈયારી દર્શાવી હતી. જે અંતર્ગત ઘણા જરૂરિયાતમંદોને આવાસ ફાળવી પણ દેવાયા છે ત્યાં નાણાંકીય વર્ષની સમાપ્તિ પહેલાં અડાજણ ફાયર સ્ટેશન પાછળ 408 આવાસ માટે વધુ એક પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
આ પ્રોજેક્ટના આવાસ મેળવવાની અરજી માટેના ફોર્મનું વિતરણ મંગળવાર 3 જાન્યુઆરીથી શરૂ કરાયું હતું, જેમાં પ્રથમ 2 દિવસમાં જ 7040 ફોર્મનું વિતરણ થઈ ગયું હતું. આ ફોર્મ 31 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાના રહેશે એવું પાલિકાનું કહેવું છે. જો કે, અગાઉના અન્ય ત્રણ આવાસ પ્રોજેક્ટના 1498 મકાનો માટે સબમિટ થયેલા ફોર્મ પર હજુ સુધી ડ્રો થઇ શક્યો ન હોવાથી અરજદારોમાં કચવાટનો માહો જોવા મળી રહ્યો છે.
પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકા દ્વારા 408 આવાસ નિર્માણ માટેનો એક પ્રોજેક્ટ અડાજણ ફાયર સ્ટેશનની પાછળના ભાગે હાથ ધરાયો હતો. તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે આવાસ માટેના ડ્રો જાહેર કરી લાભાર્થીઓને મકાન ફાળવાયા હતાં. તે મુજબ અડાજણ ખાતે સાકાર થનારા 408 આવાસનાં ડ્રો પહેલા ફોર્મ વિતરણ પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ કરાતાં પહેલાં દિવસે જ 3301 ફોર્મનું વિવિધ સેન્ટર પરથી વેચાણ થયું હતું, જ્યારે બીજા દિવસે 3739 ફોર્મ વેચાણ થયાં હતાં.
408 આવાસના ડ્રો માટે ગણતરીના 2 દિવસમાં જ 7040 ફોર્મ સેન્ટર પરથી ઉપડી ગયા હોવાનું વિભાગે જણાવ્યું હતું. આ ફોર્મ 31 જાન્યુઆરી સુધી નિયત પુરાવા સાથે જમા કરાવવાના રહેશે તેમ પાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.