મહિધરપુરા પોલીસે 72 કલાકમાં 3 કિલોમીટર સુધીના 15 સીસીટીવી કેમેરાની તપાસ કરી આખરે હીરાના વેપારીને 7 લાખની રકમ પરત અપાવી છે. કતારગામની જીગર પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય હીરાના વેપારી અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલ ગત 28 ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 વાગ્યે ઘરેથી એક્ટિવા મોપેડ પર નીકળ્યા હતા. તે સમયે મોપેડ પર વેપારીએ આગળની સાઇડ 7 લાખ રૂપિયા ભરેલી રોકડની થેલી પગ પાસે મુકી હતી.
વેપારી આ રોકડ લઈ હીરા બજાર તરફ જતા હતા અને ત્યાં આ રકમ હીરાની કોઈ પાર્ટીને આપવાની હતી. જો કે, આ દરમિયાન વેપારીના મોપેડ પરથી 7 લાખની રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી. વેપારી હીરાબજાર પહોંચ્યા ત્યારે ખબર પડી કે મોપેડ પર આગળ મૂકેલી રૂપિયાની બેગ નથી.
હીરાવેપારીની અરજીના આધારે મહિધરપુરા પોલીસે જે જગ્યા પરથી વેપારી પસાર થયા હતા તેની આસપાસના 3 કિલોમીટર સુધીના 15 સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં બેગ રામપુરા ચાર રસ્તા પાસે પડી ગઈ હોવાનું જણાયું હતું. પછી રોકડની આ બેગ 53 વર્ષીય હીરાદલાલને મળી હતી.
તેઓ હાલમાં નિવૃત છે. પહેલા તો પોલીસે બેગ લઈને જાય જતી વ્યક્તિના ફુટેજ મેળવી આસપાસના વિસ્તારોમાં બતાવ્યા હતા. જેના આધારે ખબર પડી કે તે વ્યક્તિ નજીકમાં જ રહે છે. પછી પોલીસ રામપુરા પોલીસલાઇન નજીક વેલકમ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય નિમીષ જરીવાલાના ઘરે પહોંચી હતી. પોલીસે પૂછતાછ કરતા તેમણે આખી વાત કરી રાજીખુશીથી રકમ આપી દીધી હતી. બાદમાં પોલીસે આ રકમ સુપરત મૂળ માલિકને પરત કરી હતી. આમ, પોલીસ ગુમ કીમતી સામાન શોધી પણ આપે છે.
વેપારીએ 4-5 રાઉન્ડ મારી તપાસ કરી પણ કંઈ ન મળ્યું
વેપારી અરવિંદભાઈ પટેલે તેઓ જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં તમામ સ્થળો પર 4થી 5 રાઉન્ડ મારીને તપાસ કરી હતી. આસપાસના લારી-ગલ્લાવાળાઓને વાત કરી પૂછતાછ કરી હતી છતાં રૂપિયા મળ્યા ન હતા. જેથી એક સમયે વેપારી ટેન્શનમાં આવી ગયા હતા. ત્યાર બાદ તેમણે 1 માર્ચના રોજ સાંજે મહિધરપુરા પોલીસમાં આ અંગે અરજી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.