તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:કતારગામમાં HVK કંપનીની લિફ્ટમાં કર્મીનું મોઢું દબાવી 7 લાખના હીરાની લૂંટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કતારગામમાં નંદુ ડોશીની વાડી ખાતે એચવીકે ઇન્ટરનેશનલ કંપનીના કર્મચારીને લિફ્ટમાં ત્રણ જણાએ પકડીને મોઢું દબાવી સાત લાખ રૂપિયાના હીરા લૂંટીને લૂંટારૂઓ નાસી ગયા હતા.કર્મચારીએ હિંમતથી પીછો કરીને બેને લૂંટારૂઓને પકડી લીધા હતા.જ્યારે ત્રીજો લૂંટારૂ પણ હીરા સાથે ઝડપાઇ ગયો હતો.

કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, નંદુ ડોશીની વાડી ખાતે આવેલા પટેલ ફળિયામાં હીરાની કંપની એચવીકે ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડની મુખ્ય શાખા છે. તેની એક ઓફિસ નંદુ ડોશીની વાડી ખાતે જ પ્રમુખ બિલ્ડિંગમાં છે. મંગળવારે બપોરે કંપનીમાં કામ કરતો અજય વિનુભાઈ નલીયાપરા (રહે. રઘુનંદન રેસિડેન્સી, બાપા સીતારામ ચોક, કામરેજ) મુખ્ય શાખાથી 7 લાખ રૂપિયાના હીરા બેગમાં મુકીને પ્રમુખ બિલ્ડિંગમાં આવેલી ઓફિસે ગયો હતો. અજય નલીયાપરા લિફ્ટમાં ગયો ત્યારે ત્રણ લૂંટારૂ તેની પાછળ-પાછળ લિફ્ટમાં આવ્યા હતા. તેઓએ અજયનું ગળું અને મોઢું દબાવીને હીરાવાળી બેગ લૂંટીને નાસવા લાગ્યા હતા. અજય નલીયાપરાએ જોરજોરથી બુમાબુમ કરતા ત્યાં એચવીકે કંપનીના અન્ય કર્મચારીઓ રોબિન યાદવ અને સોમનાથ રાય પણ લૂંટારૂઓની પાછળ દોડ્યા હતા. ઘટનાસ્થળેથી થોડા અંતરેથી બે લૂંટારૂઓને કંપનીના સ્ટાફે પકડી લીધા હતા. જોકે આ બંને લૂંટારૂઓ પાસેથી હીરા મળ્યા ન હતા. પકડાયેલા લૂંટારૂઓના નામ નાગજી ઇશ્વર ચૌધરી અને જગદિશ કાળુભાઈ ચૌધરી છે. ત્રીજો લૂંટારૂ હીરા લઈને નાસી ગયો હતો. અજય નલીયાપરાએ સાંજે કતારગામ પોલીસ સ્ટેશનમાં સાત લાખના હીરાના લૂંટની ફરિયાદ નોંધાવી છે. મોડી રાત્રે હીરા સાથે ત્રીજો લૂંટારૂ પણ પકડાઈ ગયો હોવાની માહિતી મળી છે.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...