સુરતમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે વધુ એક લિટલ સ્કાય બર્ડ સ્કૂલમાં ધો. 6, 7 અને 8ના વર્ગો ચાલતા હોવાનું બહાર આવ્યું હતું. સરકાર હજુ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટેના નિર્ણયની જાહેરાત કરે તે પહેલાં કેટલાક શાળાના સંચાલકો શાળાના વર્ગો શરૂ કરી દીધા હોવાનું બહાર આવી રહ્યું છે. ગજેરા સ્કૂલ બાદ વધુ એક સ્કૂલ લિટલ સ્કાયની મનમાની સામે આવી હતી.
સંચાલકો બાળકોના જીવના જોખમે શાળાઓ શરૂ કરી રહ્યા છે
લિટલ સ્કાય બર્ડ સ્કૂલની મનમાની સામે આવી હતી. ભેસ્તાન વિસ્તારમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા બાળકોની ચિંતા કર્યા વગર શાળા શરૂ કરી દેવામાં આવી રહી છે. લિટલ સ્કાય બર્ડ સ્કૂલની અંદર ધોરણ 6થી 8ના બાળકો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે હજી ધોરણ 6થી 8 ના વર્ગો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. સરકાર દ્વારા કોઇપણ શાળામાં વર્ગખંડ શરૂ કરવા દેવા માટેની મંજૂરી આપવામાં આવી નથી છતાં પણ શાળા સંચાલકો બાળકોના જીવના જોખમે શાળાઓ શરૂ કરી રહ્યા છે.
કોર્પોરેશનના અધિકારીઓની એક ટીમ સ્કૂલમાં પહોંચી
ભેસ્તાન વિસ્તારમાં ખાનગી શાળામાં બાળકો ભણી રહ્યા હોવાની વિગત મળતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓની એક ટીમ લિટલ સ્કાય બર્ડ સ્કૂલ ખાતે પહોંચી હતી. જ્યારે કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચે ત્યારે શાળામાં વર્ગ 6થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક અસરથી વર્ગખંડમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓને પોતાના ઘરે મોકલી દીધા હતા.
કોર્પોરેશનના અધિકારીઓએ કડક હાથે કામગીરી કરી
લિટલ સ્કાય સ્કૂલમાં વિદ્યાર્થીઓ મંજૂરી વગર ભણતા હોવાનું ધ્યાને આવતા કોર્પોરેશનના અધિકારીઓએ કડક હાથે કામગીરી કરી હતી. શાળાના સંચાલકો દ્વારા ધોરણ 6થી 8ના વર્ગ સરકારની મંજૂરી વગર શરૂ કરી દેતા રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો. શાળાના સંચાલકો નાના બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા વગર વર્ગખંડ શરૂ કરી દે છે તે જ બતાવે છે કે તેઓ શાળામાં ભણતા બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત નથી. માત્ર શાળા વહેલી શરૂ કરી દેવાની લ્હાયમાં આ પ્રકારના નિર્ણયો લઈને બાળકોની ચિંતા વધારી દે છે. જોકે વાલીઓને પણ જવાબદારી છે કે જ્યાં સુધી સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં સંચાલકો ભલે બોલાવ્યા પરંતુ તેમને મોકલવા ન જોઈએ.
લિંબાયત, સિંગણપોરના ત્રણેય પોઝિટિવ વિદ્યાર્થીઓનો આરટીપીસીઆર નેગેટિવ
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓનું કોરોનાને લગતું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ લિંબાયત વિસ્તારની સુમન સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી અને સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં ભણતી ધો.11ની બે વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી હતી. આ ત્રણેય વિદ્યાર્થીઓનો અઠવાડિયા પછી આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી સાંપડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.