સુરતમાં શેર માર્કેટની બે અલગ અલગ સ્કીમો બતાવી સારો નફો મળશે તેવી લાલચ આપી રોકાણકારો પાસેથી બેજાબાજો દ્વારા 68.70 લાખ પડાવી લઇ નફો તેમજ મુદ્દલ રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જે અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ભેજાબાજો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોભામણી સ્કીમો અપાતી
લિંબાયત મદીના મસ્જિદની પાસે શાસ્ત્રી ચોક ખાતે સમીર બાબુ ફકીર રહે છે. સમીરે લિંબાયત ગોવિંદ નગર તાજ રો હાઉસ ખાતે રહેતા અબ્દુલ કાદિર ગફાર અને રાંદેર કોઝવે રોડ રેસીડેન્સીમાં રહેતા સુફિયાન જુનેદ નબીવાલા વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, બંને આરોપીની સમીર સાથે મુલાકાત થઈ હતી. અબ્દુલ કાદિર અને સુફિયાને શેર માર્કેટની અલગ અલગ બે સ્કીમો બતાવી હતી. ત્યારબાદ 10,00,000ના રોકાણથી દર મહિને રૂપિયા 5700 નફો મળશે તેમજ બીજી સ્કીમમાં 14 લાખના રોકાણ પર દર પંદર દિવસે સારો નફો મળશે તેવી સમીરને લોભામણી સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધો હતો.
વિશ્વાસઘાત કરી છેતરપિંડી
સમીર શાહ તેમની ઉપર ભરોસો કરી પોતે 26.40 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ 42.30 લાખ આપ્યા હતા. આમ સમીર સહિત રોકાણકારોએ 68.70 લાખનું રોકાણ કર્યું હતું. અબ્દુલ કાદિર અને સુફિયાને એકાદ મહિનો રોકેલા નાણાનો નફો સમીર અને અન્ય રોકાણકારોને આપ્યો હતો. જોકે ત્યારબાદથી સમીર અને અન્ય રોકાણકારોને રોકેલા નાણાનો નફો તેમજ મુદલ રૂપિયા 68.70 લાખ પરત નહીં ચૂકવી પોતાની ઓફિસ અને ઘરે તાળું મારી ફરાર થઈ ગયા હતા. આ અંગે સમીરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અબ્દુલ કાદિર અને સુફિયાન સામે છેતરપિંડીને ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.