વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સારોલી પોલીસ નિયોલ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતી. ત્યારે બે શખ્સો બસમાંથી ઉતરી કોલેજીયન બેગ લઈ ચાલતા હતા. પોલીસને શંકા જતા બેગની તપાસ કરી હતી. બેગમાંથી 63.88 લાખની રોકડ અને 1 કિલો સોનાના 15 બિસ્કિટ મળી આવ્યા હતા. બેગમાંથી લેપટોપ અને 4 મોબાઇલ મળી 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કરી સારોલી પોલીસે બંને શખ્સો સામે કાર્યવાહી કરી હતી. પકડાયેલામાં એકનું નામ સુધીરસીંગ શ્રીરામલખનસીંગ સેંગર(40) છે અને તે મધ્યપ્રદેશમાં રજાખેડી ગામે આનંદનગર કોલોનીમાં રહે છે.
સુધીરસીંગ રેલવેમાં ગુડ્ઝ ટ્રેનમાં ગાર્ડ છે. જ્યારે અન્ય એક સાગરિત રજનેશ પૌલ ઉત્તમ કુમાર વાર્ડ(44) છે અને મધ્યપ્રદેશના ગોપાલગંજમાં ક્રિષ્ચન કોલોનીમાં રહે છે અને તે સુધીરસીંગનો મિત્ર છે અને બેંકમાં લોન અપાવવાનું કામ કરે છે. બન્ને શખ્સો શેરબજારમાં ટ્રેડીંગ કરતા હતા. ટ્રેડીંગમાં રોકડના બદલામાં સોનાના બિસ્કિટ લીધા હોવાની વાત કરી હતી. તેઓએ મધ્યપ્રદેશમાં કેટલાક લોકો પાસેથી શેરબજાર ટ્રેડીંગમાં રોકાણ કરાવ્યું હતું.
મધ્યપ્રદેશથી બંને શખ્સ બસમાં બેસી સુરત આવ્યા હતા. સુરતમાં ગોલ્ડ અને રોકડનું રોકાણ કરવાના હતા. પછી તેમાંથી કમાણી કરી જેની પાસે રોકાણ કરાવ્યું હતું તે તમામને નાણાં ચુકવી દેવાના હતા એવું પોલીસ સમક્ષ બંને શખ્સોએ રટણ કર્યુ હતું. ચૂંટણીના સમયે આટલી મોટી રકમ અને ગોલ્ડ મળવાને કારણે પોલીસે ઇન્કમટેક્સને જાણ કરતા મુદ્દામાલ સીઝ કર્યો હતો. આશરે 100 લોકો પાસે રૂપિયા રોકાવી સુરત ભાગી આવ્યાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.
‘શેરમાર્કેટનું નુકસાન રિકવર કરવા નાણાં લાવ્યા હતા’
સારોલી ખાતેથી પોલીસે બે જણાને 60 લાખ રોકડ અને 1 કિલો ગોલ્ડ સાથે ઝડપી પાડ્યા હતા. આ તમામ મુદ્દામાલ આવકવેરા વિભાગે સીઝ કર્યો હતો. બંને જણાએ આઇટીને જણાવ્યું કે, તેઓ શેર માર્કેટમાં રોકાણ કરાવતા હતા, પરંતુ નુકસાન થતા આ રૂપિયા માર્કેટથી ઉપાડી લેવાયા હતા અને ખોટ રિકવર કરવા સુરતની કાપડ માર્કેટ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું, માલ ખરીદીને કાપડ વેચવાનું બંનેનું પ્લાનિંગ હતું, પરંતુ આ રૂપિયા એક વેપારીને આપવા માટે લઈ જતા તપાસમાં પકડાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.