તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાલા કૌભાંડની શંકા:સુરતના સચિન SEZમાંથી સિન્થેટિક હીરાના નામે 600 કરોડના નેચરલ હીરા એક્સપોર્ટ કરવાનું કૌભાંડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 23 વર્ષીય મીત કાછડિયાએ ફેબ્રુઆરીમાં કંપની ઉભી કરી હતી, કૌભાંડમાં મોટા ઉદ્યોગકારની સંડોવણી હોઇ શકે
  • 60 કરોડના બે કન્સાઈન્મેન્ટ પકડાયા, 25 કન્સાઈન્મેન્ટ વિદેશ મોકલી દેવાયા હોવાનો ખુલાસો

ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી યુનિર્વસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ સિઝ કર્યા હતા. જેની કિંમત 60 કરોડથી વધુની છે. તપાસમાં બહાર આવ્યુ હતુ કે કંપની ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ કરવામાં આવી હતી.

આ કંપનીના કાગળ પરના કર્તાધર્તાએ કુલ 25 કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા 600 કરોડથી વધુ છે. હાલ, ડીઆરઆઇ અધિકારીએ ફરાર થઈ ગયેલાં 23 વર્ષીય મીત કાછડિયાને શોધી રહ્યા છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી. અલબત્, પડદાં પાછળ હીરા ઉદ્યોગમાંથી જ કોઈ મોટુ માથુ સંડોવાયેલું હોવાની શંકા છે કેમકે જે ડાયમંડ એક્સપોર્ટ કરાયા છે તેમાંથી કેટલાંક મોટા ડાયમંડ છે જેમાં એક ડાયમંડની કિંમત એક કરોડની છે. લોકલ માર્કેટમાંથી આટલાં કિંમતી ડાયમંડ કોઈ નાનો કારીગર કે પેઢી આપી ન શકે એવી ગણતરી ડીઆરઆઇ અધિકારીઓની છે.

હવાલા કૌભાંડમાં ઓવર વેલ્યુએશન હોય છે, પણ આ કેસમાં હીરાની ઓછી કિંમત બતાવાઈ

  • એક શક્યતા એવી છે કે નેચરલ ડાયમંડની ડ્યૂટી ન ભરવી પડે તે માટે આ કંપની ચાલુ કરાઇ હતી. SEZમાંથી એક્સપોર્ટ થતા માલ પર કોઈ ડયુટી લાગતી નથી. જેનો ફાયદો આ કેસમાં ઉઠાવવામાં આવ્યો. સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ હોંગકોંગ મોકલાતા હતા.
  • સામાન્ય રીતે ઓવર વેલ્યુએશન કરીને હવાલા રેકેટને અંજામ અપાય છે. કાગળ પર માલની કિંમત મોટી હોય તે માલ ઇમ્પોર્ટ કરાય અને તેનું પેમેન્ટ ચૂકવવા માટે બેન્કિંગ ચેનલ મારફત જ રકમ મોકલી આપવામાં આવે છે. આ કેસમાં અન્ડર વેલ્યુએશન છે, માલની કિંમત ઓછી બતાવાઈ છે.
  • એક થિયરી એવી પણ છે કે ઇન્કમ ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સિન્થેટિક ડાયમંડ સાથે નેચરલ ડાયમંડ મુકીને એક્સપોર્ટ કરી દેવાયા છે. આ બંને હીરાઓની વચ્ચે કિંમતમાં 10થી 90 ટકાનો ફેર પડતો હોય છે. જોકે અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે.
  • મીત એન્ડ કંપનીએ નેચરલ ડાયમંડ હોંગકોંગમાં સાગરિતોને વેચવા માટે પણ મોકલ્યા હોવાની એક શક્યતા છે. સીધી પદ્ધતિથી જો આ નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરી વેચાણ કરવામાં આવે તો સ્થાનિક ડ્યૂટી તથા ફોરેનમાં પણ ટેક્સિસ ચૂકવવા પડતા હોય છે જેનાથી બચવા આ કૌભાંડ કરાયાની શક્યતા છે.

પાર્સલ દીઠ ભ્રષ્ટાચારની પણ ફરિયાદો થઈ હતી
ડાયમંડ એક્સપોર્ટ કરતી વખતે આચરાતા કૌભાંડની ફરિયાદો છેક દિલ્હી સુધી કરવામાં આવી છે. એક ઉદ્યોગકાર કે જે હાલ એક વેપારી સંસ્થાના હોદ્દેદાર પણ છે તેઓએ કહ્યું કે, પાર્સલ દીઠ 50 લાખ રૂપિયા સુધી લેવાયાની ફરિયાદો ઉઠી હતી. જે બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ પણ કંઇ થયુ નહીં.

અન્ય સમાચારો પણ છે...