ઉધનામાં બીજા માળની બારીમાંથી નીચે પટકાતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતંુ. બાળક ખુરશી પર ચડી બારીમાંથી બહારનો નજારો જોવાના પ્રયાસમાં અકસ્માતે નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. 6 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. માતા સાફસફાઈ કરતી હતી ત્યારે બારી નજીક મુકેલી ખુરશી પર ચડી નીચે જોતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
ઉધના કૈલાસ નગર ખાતે રહેતા અને ઓરિસ્સાના વતની ચિત્રસેન નાયક લૂમ્સના કારખાનામાં કામ કરે છે. ગત તા.24 ફેબ્રુઆરીના રોજ તેઓ વતનથી સુરત પરત આવ્યા હતા. 25મીએ તેમના પત્ની ઘરની સાફસફાઈ કરતા હતા. ત્યારે તેમનો 6 વર્ષીય પુત્ર સ્વસ્તિક બીજા માળના રૂમની ગ્રીલ વગરની બારી નજીક ખુરશી પર ઉભો રહી બહારનું દ્રશ્ય જોતો હતો. આ દરમિયાન નીચે જોવા જતા સ્વસ્તિકે સંતુલન ગુમાવી દીધું હતુ અને તે બીજા માળેથી નીચે પટકાયો હતો.
સ્વસ્તિક નીચે પટકાયો હોવાની જાણ થતા તેની માતા નીચે દોડી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા સ્વસ્તિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાંમ આવ્યો હતો. સ્વસ્તિક નીચે પટકાતાં તેને જડબાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આથી તેને આઈસીય વોડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી તેમજ વધુ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.