એક મહિનામાં 124 કેસમાં 18 બાળકો:ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ, રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરથાણાના પટેલ ફળિયાના એક પરિવારમાં પિતા સોમનાથથી પાછા આવ્યા બાદ સભ્યોને ચેપ લાગ્યો, ફળિયાના અન્ય 32ના રિપોર્ટ નેગેટિવ
  • બાળકોમાં કોરોના સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો, રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત
  • ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી

શહેરમાં છેલ્લા 1 મહિનામાં નોંધાયેલા 124 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 15 ટકા એટલે કે 18 બાળકો છે. ભરથાણાના પટેલ ફળિયામાં એક જ પરિવારના 6 સભ્યો પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2 બાળકો હતા. જ્યારે જહાંગીરપુરાની સલજ હોમ્સ સોસાયટીના એક જ ઘરમાંથી નોંધાયેલા ત્રણ કેસમાંથી એક બાળક છે.

ભરથાણાના પટેલ ફળિયામાં રવિવારે બેરીકેટિંગ કરી સીલ મારી દેવાશે. કોરોના ધીમી પણ મક્કમ રીતે આગળ વધી લાલબત્તી ધરી રહ્યો છે. એક જ પરિવારના 6 વ્યક્તિ પોઝિટિવ આવતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ વધાર્યું છે અને ધનવંતરી રથમાં પટેલ ફળિયામાં આજુબાજુના તેમજ સામે રહેતા 32 લોકોનાં ટેસ્ટિગ કર્યાં છે પણ વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

10 દિવસ લક્ષણો છતાં નિદાન ન કરાવતા પરિવારના 5ને ચેપ
એક જ પરિવારના છ સભ્યો કોરોનાની ઝપટે ચડતાં આરોગ્ય વિભાગે તપાસ કરતાં પિતા તેની દિકરી સાથે સોમનાથ યાત્રાએ ગત તારીખ 10મીએ ગયા હતા અને 9 દિવસ બાદ 19મીએ પરત ફર્યા હતાં. પિતાને બીજા જ દિવસે ગળામાં દુ:ખાવો થયો હતો ને ત્રણ દિવસ રહીને તાવ આવ્યો હતો. પછી તપાસ કરાવતા કોરોના ડિટેક્ટ થયો અને 30મીએ ટ્રાઈસ્ટારમાં દાખલ કરાયા છે.

પિતા પોઝિટિવ આવતાં ઘરના સભ્યોનું ટેસ્ટિંગ કરાતાં તમામ પોઝિટિવ આવ્યા!
આરોગ્ય વિભાગે પટેલ ફળિયામાં રહેતા પિતા પોઝિટિવ આવતાં તેમના ઘરમાં અન્ય સભ્યોનું ટેસ્ટિંગ કરતાં બે બાળકો પણ પોઝિટિવ આવતાં એક જ પરિવારના 6 કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને તમામને આઈસોલેશન હેઠળ રખાયા છે.

જહાંગીરપુરાની સલજ હોમ્સ સોસાયટીના માતા-પિતા-પુત્રની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
કોરોના ફરી વકરવા માંડ્યો છે રાંદેર ઝોનના જહાંગીરપુરા વિસ્તારમાં સલજ હોમ્સ સોસાયટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા છે. માતા-પિતા અને 17 વર્ષિય પુત્રનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.

અત્યાર સુધીમાં રાંદેર ઝોન વિસ્તારમાં 40 પોઝિટિવ નોંધાયા છે તેમાં 8 જેટલાં બાળકો પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જહાંગીરપુરાની સલજ હોમ્સમાં કોરોના પોઝિટિવ આવનાર માતા-પિતા-પુત્રની ખાસ કોઈ હિસ્ટ્રી નથી પણ ગણેશોત્સવ તહેવાર ટાણે ભીડમાં ભેગા થતાં હતાં. પરિવારને કોરોન્ટાઇન કરી સોસાયટીમાં ધનવંતરી રથથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ, એક પણ દર્દીનું મોત નહીં, 4ને રજા અપાઈ
શહેરમાં 08 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143760 થઈ ગઈ છે. શનિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું.

અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. શનિવારે શહેરમાંથી 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141569 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શનિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 થઈ ગઈ છે.

આજે કો-વેક્સિન જ મળશે શનિવારે 6830નું રસીકરણ
શનિવારે શહેરમાં માત્ર કો-વેક્સિનના જ સેન્ટરો કાર્યરત હતા. કુલ 6830 લોકોને રસી મુકવામાં આવી હતી. આ સાથે શહેરમાં પ્રથમ ડોઝની રસીકરણની કામગીરી 98.42 ટકા અને બીજા ડોઝની 47.07 ટકા થઇ છે. 34,32,737ને રસી મુકવાના ટાર્ગેટ સામે 33,78,481 એ પ્રથમ ડોઝ અને 15,89,553 એ બીજો ડોઝ લઇ લીધો છે.

પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 49,68, 034ને રસી મુકવામાં આવી છે. કોવિશીલ્ડ રસીનો સ્ટોક નહીં હોવાથી આજે પણ માત્ર કોવેક્સિન જ મળશે. 31 સેન્ટર પર કોવેક્સિન રસી માટે કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...