ભાજપી ઉમેદવારોએ વિજય મૂહુર્ત સાચવ્યું:સુરતના જાહેર થયેલા 11માંથી 6 ઉમેદવારોએ 12.39ના ટકોરે ફોર્મ ભર્યા, જંગી લીડથી જીતના દાવા કર્યા

સુરતએક મહિનો પહેલા
ઓફિસમાં વહેલા પહોંચી ગયેલા ભાજપી ઉમેદવારોએ પણ 12.39ના સમયે જ ફોર્મ સબમિટ કરાવ્યા હતાં.

ગુજરાતી વિધાનસભા ઇલેક્શનને લઈ ભાજપ દ્વારા સુરત ની 11 બેઠકના ઉમેદવારોની નામ જાહેર કરી દીધા છે. ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બીજા દિવસે મોટાભાગના ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરવા જે તે વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. દરમિયાન ઉમેદવારોએ ફોર્મ ભરતી સમયે ભાજપના વિજય મૂહુર્તને ખાસ સાચવ્યું હતું. વહેલા પહોંચી જવા છતાં પણ ઉમેદવારો દ્વારા વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભર્યા હતા.

ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા
ગુજરાત વિધાનસભા ઇલેક્શન ને લઇ ભાજપ દ્વારા ગઈકાલે 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી.તેમાંથી સુરતના બારમાંથી 11 ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી હતી. ગઈકાલે જાહેરાત કરાયા બાદ આજે છ ઉમેદવારો ચૂંટણીનું ફોર્મ ભરવા જે તે સોપાયેલી કચેરી ખાતે પહોંચી ગયા હતા. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાંથી કતારગામ, ઉધના, ઓલપાડ, લિંબાયત, સુરત પશ્ચિમ, સુરત પૂર્વ બેઠકના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા હતા.

પૂર્ણેશ મોદીએ પણ વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું.
પૂર્ણેશ મોદીએ પણ વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું.

આકર્ષણની શૈલીમાં સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા
ભાજપના ઉમેદવારો આજે પોતાનું નામાંકન કરવા પહોંચ્યા હતા ત્યારે આકર્ષક શૈલીમાં ગયા હતા. મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કેટલાક ઉમેદવારો ખુલ્લી જીભમાં, કેટલાક પગપાળા, તો કોઈ ઘોડે સવારી કરી પોતાનું ઉમેદવારીનું નામાનિકન ભરવા કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભાજપના ઉમેદવારોએ વિજય મુહર્તને ખાસ સાચવ્યું
ભાજપના 11 ઉમેદવારો જાહેર કર્યા તેમાંથી છ જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક ભરવા જે તે કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે તમામ ઉમેદવારોએ વિજય મુહર્તને ખાસ સાચવ્યું હતું. ભાજપના પાંચ ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરવા માટે જે તે કચેરી ખાતે વહેલા પહોંચી ગયા હતા. અધિકારીને ફોર્મ 12:39 ના વિજય મુરતે જ આપીને ભર્યું હતું. ભાજપના કતારગામ, ઓલપાડ,સુરત પશ્ચિમ, સુરત પૂર્વ, અને ઓલપાડના ઉમેદવાર દ્વારા 12:39ના જ વિજય મુરતને ધ્યાને રાખી ફોર્મ ભર્યું હતું અને આ મુરત સાચવી તેઓએ પોતાની જીત નો વિશ્વાસ સેવ્યો હતો.

વિનુ મોરડિયા પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.
વિનુ મોરડિયા પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.

11 માંથી છ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું
ભાજપ દ્વારા સુરતના 12 બેઠકોમાંથી 11 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી આપી હતી. જેમાંથી કતારગામના ઉમેદવાર વિનુ મોરડીયા, સુરત પશ્ચિમના ઉમેદવાર પુણેસ મોદી, સુરત પૂર્વના ઉમેદવાર અરવિંદ રાણા, ઉધનાના મનુ પટેલ અને ઓલપાડના મુકેશ પટેલ અને લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું.

શું છે 12: 39નું વિજય મુહૂર્ત?
ભારતીય જનતા પાર્ટી હિંદુત્વવાદી વિચારધારા ઉપર ચાલનારી પાર્ટી છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કોઈપણ સારું કામ કરવા માટે એક ચોક્કસ પ્રકારનું મુહૂર્ત જોવામાં આવતું હોય છે. 12:39 પાછળની કંઈક વાત એવી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીજી દ્વારા એકવાર આ બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા અલગ અલગ રોજના કાર્યક્રમ હોય છે. એવા સમયે સારા મુહૂર્તમાં જો કામની શરૂઆત કરવામાં આવે તો કયો સમય રાખવો એ પાર્ટી માટે પણ થોડું કપરૂ હતું. એવા સંજોગોમાં મુરલી મનોહર પોતે પણ સંસ્કૃતના ખૂબ મોટા વિદ્વાન માનવામાં આવે છે. મુરલી મનોહર જોશી દ્વારા અન્ય જ્યોતિષીઓ અને વિદ્વાનો સાથે પરામર્શ કર્યા બાદ દિવસમાં સૌથી અનુકૂળ સમય કયો હોય છે. તે નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 12:39નો સમય સૌથી ઉત્તમ હોવાનું માનવામાં આવ્યું હતું. ત્યારથી પરંપર શરૂ થઈ હતી કે, ભારતીય જનતા પાર્ટી કોઈપણ સારું કામ કરે તો મહદંશે 12:39ના સમયે જ કામની શરૂઆત કરે છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરવા માટે 12:39નો સમય પસંદ કરવામાં આવે છે.

વિજય મૂહૂર્તને સાચવવા ઉમેદવારોએ વાટ જોવી પડી હતી.
વિજય મૂહૂર્તને સાચવવા ઉમેદવારોએ વાટ જોવી પડી હતી.

ભાજપના ઉમેદવારો મંદિરોમાં દેખાયા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની હિંદુત્વની છબીને વધુ મજબૂત કરવા માટે અને ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં આવે તેના માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા અને પ્રફુલ પાનસરિયા મંદિરોમાં જઈને નતમસ્તક થતા દેખાયા હતા. ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે. તેને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરતી રહે છે. સમયાંતરે હિંદુત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારમાં સૌથી મોખરાનો રહે છે.

ભારત માતા કી જયના નારા લાગ્યા
ઉમેદવારી પત્ર ભરવા પહેલા મંદિરોમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. સમર્થકોએ પણ ઉમેદવારોનો ઉત્સવ વધારતા ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. સમર્થકો પણ ખૂબ મોટી સંખ્યામાં મંદિર પટાંગણમાં એકત્રિત થયેલા દેખાયા હતા. ઉમેદવારોએ પણ ભગવાનને શ્રીફળ ચડાવીને અને રાજ તિલક કરતા હોય તે રીતે તિલક કરી ઉમેદવારી પત્ર ભરવા આગળ વધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...