ફરિયાદ:બીજી પુત્રીના જન્મના 6 માસ બાદ જમીન પર પછાડીને પિતાએ હત્યાનો પ્રયાસ કર્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉધના સંજયનગરની ઘટના : બાળકી છટકી ગઈ હોવાનો પિતાનો લૂલો બચાવ
  • છ માસ સુધી પત્ની-બંને દીકરીઓને લેવા સાસરે પણ ગયો ન હતો

ઉધનામાં બીજી બાળકી જન્મતા નારાજ પિતાએ પિયરમાં જઈ 6 મહિનાની પુત્રીને જમીન પર પછાડી દીધી હતી. જેથી બાળકીને ઇજા થતાં સારવાર માટે તેની માસીએ સિવિલ હોસ્પિટલ લઈ આવતા દાખલ કરાઈ હતી. જોકે, આ મામલે પતિ-પત્ની વચ્ચે સમાધાન થઈ જતા કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.

ભાઠેના ઉમિયા માતા મંદિર નજીક રહેતો શાબીર શેખ માર્કેટમાં મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી હતી અને છ મહિના પહેલા બીજી પુત્રીનો જન્મ થયો હતો. જોકે, શાબીર છ મહિનાથી ઉધનાના સંજયનગરમાં પિયરમાં રહેતી પત્ની જમીલા અને બંને પુત્રીઓને લેવા ગયો ન હતો.

શનિવારે શાબીર સાસરે પહોંચ્યો અને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં શાબીરે 6 મહિનાની માસુમ માયરાને જમીન પર પછાડી દીધી હતી. જેથી માસુમ માયરાને સારવાર માટે તેની માસી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવી હતી.

આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, શાબીર તેની પત્ની અને બંને પુત્રીઓને સાથે લઈ જવા માટે તૈયાર થઈ જતા સમાધાન થઈ ગયું હતું અને કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. આ બનાવમાં એક તરફ માસી મેરાજે આક્ષેપ કર્યો હતો કે, બીજી દીકરી જન્મી હોવાથી પિતા શાબીરે માસુમ પુત્રી માયરાને જમીન પર પછાડી હતી. જ્યારે બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં બાળકી પડી ગઈ હતી અને તેને ઈજા થઈ હતી.

પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું છે : પોલીસ
છ મહિનાની બાળકીને થયેલી ઇજાને લઈ પિતાએ જમીન પર પછાડી હોવાનો તેણીના માસી મેરાજે પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. જ્યારે પોલીસે દંપતીના ઝઘડામાં પડી ગયાનું જણાવ્યું હતું અને દંપતીએ છેલ્લી ઘડીએ સમાધાન કરી લીધું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...