ક્રાઇમ:‘બેંકમાંથી બોલુ છું’ કહી છેતરપિંડી કરતી ઝારખંડની ગેંગના 6 પકડાયા

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સચીન પોલીસે 36 સીમકાર્ડ સાથે 6.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

‘બેંકમાંથી બોલુ છું, તમારો કાર્ડ બ્લોક થઇ જશે’ કહી લોકો પાસે માહિતી મેળવી તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી ઠગાઇ કરતી ઝારખંડની ગેંગના છ સભ્યને પકડી તેમની પાસેથી 36 સીમકાર્ડ સહિત 6.87 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. સચિન જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. પંકજ સુરેશચંદ્રને બાતમી મળી હતી કે,ઓનલાઇન ચીટિંગ કરતી ગેંગ સચિન જીઆઇડીસી પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે સચિન પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન ગભેણી રોડ રામેશ્વર મંદિર પાસેથી પસાર થતી બલેનો ગાડી નં. જેએચ-10-બીવોય-7878ને અટકાવી હતી. જેમાં મુસાફરી કરનાર સફાર મો.બશીર અંસારી (ઉવ 22, રહે, ગામ- જામા, મનીયા રેડી, પો્ટ-ચરપા, થાના-મધુપુર, જિ.દેવઘર,ઝારખંડ), મહમદ મેહતાબ અશરફ અલી અંસારી (ઉ. વ.૩૩ રહે. ગામ- મનીયારડી, પો્ટ-ચરપા, થાના-મધુપુર, જિ. દેવઘર, ઝારખંંડ), અબ્દુલ ગફાર મોહમ્મદ બશીર અંસારી (ઉ.વ. 26 મુળગામ-જામા થાના- મધુપુર તાલુકા- મધુપુર જિલ્લા- દેવઘર ઝારખાંડ), મો.અબ્દુલ સફીક મીંયા અન્સારી (ઉ.વ.25 મુળગામ-જામા, પો્ટ-ચરપા, થાના-મધુપુર, જી-દેવીર,ઝારખંડ), મો.મસરાજુદ્દીન નિઝામુદ્દીન અંસારી (ઉ. વ.29 રહે, ગામ-મનીયારડી, પો્ટ-ચરપા, થાના-મધુપુર, જી-દેવઘર, ઝારખંડ), અકબર અજીમમીયા અંસારી (ઉ.વ.૩૩ રહે, ગામ-ટવાઘાટ, પો્ટ- જશીડીહ, થાના- જશીડીહ, જિ-દેવઘર, ઝારખંડની અટક કરી હતી.

આ ટોળકીની જડતી લેતા તેમની પાસેથી ચાર મોબાઇલ ફોન જેમાં 8 સીમકાર્ડ તથા 28 ખુલ્લા સીમકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે આ મોબાઇલ ફોન સીમકાર્ડ, રોકડા રૂ.42,490 તથા બલેનો મળીને કુલ રૂ.6,87,490ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ પૂછપરછમાં આ ટોળકીએ લોકોને ફોન કરીને તેમનો એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે એમ કહીને, કે તેમને લક્કી ડ્રો લાગ્યો છે એવી લાલચ આપીને તેમના એકાઉન્ટની વિગત મેળવી લઇને એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરીને છેલ્લા છ માસથી છેતરપિંડી કરી રહ્યા હતા.

એપમાં વોલેટ બનાવી પૈસા ટ્રાન્સફર કરતા હતા
આ ટોળકી ગુગલ પર સર્ચ કરીને અન્યના એટીએમ કાર્ડના છ નંબર મેળવીને કોલિંગ કરતા હતા. કોલરને તેમનો એટીએમ કાર્ડ બંધ થઇ જવા, કે લક્કી ડ્રો લાગ્યો હોવાનું કહીને લીંક મોકલતા હતા. કોલર લીંક ઓપન કરતા જ આ ઠગ ટોળકીને તેના એટીએમ અને એકાઉન્ટની બધી વિગતો મળી જતી હતી. જેના આધારે પેટીએમ, ફોન પે મારફતે જુદીજુદી મોબાઇલ એપ્લિકેશનમાં વોલેટ બનાવી પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.

ગુજરાત, મહારાષ્ટ્ર,રાજસ્થાન, MPના ગુના ઉકેલાયા
ગુજરાતમાં આણંદ ટાઉન પોલીસ, વડોદરા નવાપુરા પોલીસ, મહારાષ્ટ્રના થાના-વાનગુમ પોલીસ પાલઘર, રાજસ્થાનના દૌસા જિલ્લા માંડાવરી પોલીસ, જયપુરના સાભરલેક પોલીસ અને મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લા મુલતાઇ પોલીસ તથા માંદસોર જિલ્લા કોતવાલી પોલીસમાં આ ટોળકી વિરૂધ્ધ ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...