મહિલાને છેતરનાર નાઈઝિરિયન ઝડપાયો:સુરતમાં સોશિયલ મીડિયા ઉપર સંપર્ક કરીને ગિફ્ટ મોકલી અને લગ્નની લાલચ આપીને મહિલા પાસેથી 57.39 લાખ ખંખેર્યા

સુરતએક મહિનો પહેલા
સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવીને સુરતની યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવનાર નાઈઝિરિયન યુવક ઝડપાયો.

સોશિયલ મીડિયા ઉપર એકબીજા સાથે ફ્રેન્ડશીપ કરીને ત્યારબાદ અનેક છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની યુવતીને સોશિયલ મીડિયા ઉપર નાઈઝિરિયન યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે 57.39 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સુરત પોલીસના સાયબર સેલમાં ગુનો નોંધાયા બાદ નાઈઝિરિયન આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પડાયો છે.

ગિફ્ટના બહાને લાખો રૂપિયા ખંખેર્યા
સુરતની યુવતી નાઈઝિરિયન યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્કમાં આવી હતી. નાઈઝિરિયન યુવક વેબસાઇટ ડેવલપર તરીકે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં આવ્યો હતો. દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની વાત યુવતી અને યુવક વચ્ચે થઈ હતી. નાઇઝિરિયન યુવકે ગિફ્ટ મોકલ્યું હતું અને તેને યુવતીને લેવા માટે રૂપિયા ચૂકવવા પડશે તે પ્રકારનું ષડયંત્ર રચીને રૂપિયા ખંખેરી લીધા હતા.

દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફોન કરાયો
દિ
લ્હી ઈમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો. તેણે પોતાની ઓળખ એરપોર્ટ કર્મચારી તરીકે આપી હતી. સુરતની યુવતીને ફોન કરીને જણાવવામાં આવ્યું કે ગિફ્ટ જે મોકલવામાં આવ્યું છે તેને છોડાવવા માટે પાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તેના માટે જે ચાર્જ થાય છે તે ચૂકવવો પડશે ત્યારબાદ તેમને ગિફ્ટ મળશે.

નાઈઝિરિયન આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પડાયો.
નાઈઝિરિયન આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પડાયો.

યુવતીએ ટુકડે ટુકડે રૂપિયા આપ્યા
સુરતની યુવતીએ નાઈઝિરિયન યુવકે મોકલેલા ગિફ્ટને છોડાવવા માટે તારીખ 1 મેથી 12 ઓગસ્ટ 2022 સુધીમાં 57,39,500 ચૂકવ્યા હતા. યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહિલાને જ્યારે શંકા ગઈ કે તે છેતરાઈ છે ત્યારે સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણયા લોકો સાથે સંપર્ક રાખવો ન જોઈએ,: પોલીસ કમિશનર
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સામાં ખૂબ જ ઓછા ભણેલા આરોપીઓ સાયબર ક્રાઇમ કરતા હોવાનું ઝડપાઈ રહ્યું છે. ઘણા ખરા લોકો માત્ર ઓનલાઇન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આ નાઇઝિરિયન યુવક સાથે સુરતની જે યુવતી સંપર્કમાં આવી હતી તે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું છે. સુરત પોલીસ તમામ લોકોને અપીલ કરે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે વધુ ઘનિષ્ઠતા ન કેળવવી જોઈએ જેથી કરીને કોઈ મોટી છેતરપિંડી તમારી સાથે ન થાય.

અન્ય સમાચારો પણ છે...