જકાત નાબૂદી બાદ પાલિકાની મુખ્ય આવકના સ્ત્રોતરૂપે મિલકતવેરા અને તે પૈકીના એક એવા એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ (પેઇડ એફએસઆઈ) પેટે વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં મનપાની તિજોરી છલકાઇ છે. ચાલુ વર્ષ સમાપ્તીને હજુ 4 અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે પાલિકાને પેઇડ FSI પેટે 28 ફેબ્રુઆરી સુધીમાં જ 564 કરોડ રૂપિયાની આવક જમા થઈ છે. 31 માર્ચ સુધીમાં પેઇડ FSI પેટે પાલિકાને 500 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે.વર્ષ 2020-21 દરમિયાન કોવિડની સ્થિતિને પગલે બાંધકામ ઉદ્યોગ મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયો હતો.
જોકે, 2020ની દિવાળી બાદ ફરી બાંધકામ ઉદ્યોગ ધીરે-ધીરે સ્થિર થતો દેખાયો હતો. જેથી પાલિકાને પેઇડ એફએસઆઈ પેટે 175 કરોડ રૂપિયાની આવક મળી શકી હતી. એટલું જ નહિં પણ વર્ષ 2021-22માં પાલિકાને પેઇડ FSI પેટે 513 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જોકે ગયા વર્ષની તુલનામાં જ હાલ સુધીમાં 51 કરોડ રૂપિયાના વધારા સાથે પાલિકાની રેવન્યૂ મક્કમ ગતિએ સપાટી સર કરી રહી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
મિલકત વેરામાં 1163 કરોડની રિકવરી થઈ
મિલકત વેરા પેટે 1768 કરોડની ડિમાન્ડ સામે અત્યાર સુધીમાં 1163 કરોડની રિકવરી થઇ છે. માર્ચ એન્ડીંગ સુધીમાં આંકડો 1300 કરોડને પાર થશે. ગત વર્ષે 1150 કરોડ મળ્યા હતા. જ્યારે 3 માર્ચની સ્થિતિએ 983 કરોડની રિકવરી થઇ સામે હાલમાં 180 કરોડ વધુ આવક સાથે 1163 કરોડની રિકવરી થઇ છે. હાલ પાલિકા રોજની 100થી વધુ મિલકતો સીલ કરી રહી છે. વ્યાજ વેરા માફીનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.