ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગુજરાતમાં સિમ સ્વેપિંગનો શિકાર બનેલા 1300 લોકોનાં ખાતામાંથી 550 કરોડની ઉઠાંતરી, વાંચો કેવી રીતે બચવું

સુરત12 દિવસ પહેલાલેખક: દુર્ગેશ તિવારી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બેન્ક ખાતામાંથી ઠગો તમારી જાણ વગર પૈસાની ઉઠાંતરી કરે છે
  • નેટવર્ક ગાયબ એકાઉન્ટમાંથી પૈસા સાફ
  • સિમ અચાનકથી ડિએક્ટિવેટ થયા બાદ તમારો નંબર અન્ય જગ્યાએ એક્ટિવ થઇ જાય છે

મોબાઇલમાંથી નેટવર્ક ગાયબ અને એકાઉન્ટમાંથી પૈસા સાફ. સાંભળવામાં વિચિત્ર લાગતી આ વાત હકીકત છે. સિમ સ્વેપિંગ મારફતે ઠગો તમારા ખાતામાંથી એ રીતે પૈસાની ઉઠાંતરી કરે છે કે તમને જાણ સુદ્વાં નથી થતી. તાજેતરમાં ગુજરાતના લોકો રોજબરોજ કોઇ ને કોઇ સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. આ પ્રકારના ફ્રોડને અંજામ આપતા લોકો સરળતાપૂર્વક પકડમાં નથી આવતા એ સૌથી મોટો પડકાર છે.

જાણકારી અનુસાર, 2014-15થી અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો સિમ સ્વેપિંગનો શિકાર બની ચૂક્યા છે. આ પ્રકારે સિમ સ્વેપિંગથી 550 કરોડ રૂપિયાથી વધુની ઠગાઇ કરવામાં આવી છે. જે લોકોનાં ખાતાંમાં લાખો-કરોડો રૂપિયા જમા હોય છે તેની સાથે આ પ્રકારનો ફ્રોડ કરવામાં આવે છે. તે ઉપરાંત અનેક મોટી કંપનીઓ સાથે પણ ઠગાઇ કરવામાં આવે છે.

વાસ્તવમાં, આ પ્રકારના ફ્રોડમાં અચાનક જ તમારું સિમકાર્ડ બંધ થઇ જાય છે અને એ જ સમયે કોઇ અન્ય જગ્યાએ એ નંબર એક્ટિવ થઇ જાય છે. જ્યાં સુધી તમે આ સમગ્ર મામલાને સમજવાનો પ્રયાસ કરો છો ત્યાં સુધીમાં તો તમારા ખાતામાંથી મોટી રકમ અન્ય કોઇ ખાતામાં ટ્રાન્સફર થઇ ચૂકી હોય છે. સાઈબર એક્સપર્ટ અનુસાર આ સમગ્ર મામલો ઓટીપીથી જોડાયેલો છે. સિમ બંધ થતાં જ એ અન્ય જગ્યાએ એક્ટિવ થયા બાદ ઓટીપી મારફતે ઠગો તમારા એકાઉન્ટમાંથી બધી જ રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે. આ પ્રકારના ફ્રોડને અંજામ આપતા લોકો પાસેથી પહેલાંથી જ દરેક પ્રકારનો ડેટા ઉપલબ્ધ રહે છે. નેટ બેન્કિંગ માટે યુઝર આઇડીથી લઇને પાસવર્ડની ચોરી પણ આસાનીથી કરે છે. ઓટીપી માટે તમારું સિમકાર્ડ બંધ કર્યા બાદ પોતાને ત્યાં સિમ એક્ટિવ કરાવીને ઠગાઇ કરે છે.

નેટબેન્કિંગનો આઇડી-પાસવર્ડ પણ ઠગો પાસે ઉપલબ્ધ
કેસ - 1ઃ કસ્ટમર કેરમાં ફોન કરીને સિમ બંધ કરાવીને 16 લાખની ઉઠાંતરી

નવેમ્બર 2021 - સુરતના એક ફાઇનાન્સરના ખાતામાંથી 16 લાખ રૂપિયાની ઉઠાંતરી કરાઇ. કોઇએ કસ્ટમર કેરમાં સિમકાર્ડ ખોવાયું હોવાની ફરિયાદ કરીને તેઓનો નંબર બંધ કરાવ્યો હતો. બીજી વાર સિમકાર્ડ એક્ટિવ કરાવ્યું તો માલુમ પડ્યું કે તેના ખાતામાંથી 16 લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. ફાઇનાન્સરે સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી તો જાણ થઇ કે 20 નવેમ્બરે તેના ખાતામાંથી ચાર ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ પૈસા ICICI બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કેસ - 2ઃ સિમકાર્ડ બંધ થતાં જ બેન્ક ખાતામાંથી 46 લાખ રૂ. ગાયબ
જાન્યુઆરી 2022: અમદાવાદના એક ઉદ્યોગપતિના ખાતામાંથી 46 લાખ રૂપિયા ગાયબ થઇ ગયા. તેઓએ જણાવ્યું કે અચાનક બંને સિમકાર્ડ બંધ થઇ ગયાં હતાં. આ પહેલાં તેમના મોબાઇલ પર કોઇ અજાણ્યા નંબરથી મિસ કોલ આવ્યો હતો. એ પછી બંને નંબર બંધ થઇ ગયા. તેઓએ સર્વિસ પ્રોવાઇડરને ફરિયાદ કરી. કેટલાક સમય બાદ નંબર એક્ટિવ થયો, પરંતુ ત્યાં સુધીમાં તો ખાતામાંથી 46 લાખ રૂપિયાની ઉચાપત થઇ ચૂકી હતી. આ સમગ્ર ફ્રોડને કોલકાતાના એક સ્ટોરથી અંજામ અપાયો હતો.

કેસ - 3ઃ પાંચ અલગ અલગ એકાઉન્ટમાં 75 લાખ ટ્રાન્સફર કરાયા
નવેમ્બર 2021: મીઠાઇની દુકાન ધરાવતા વેપારી સાથે 75 લાખ રૂપિયાની ઠગાઇ કરાઇ. આ કિસ્સો અમદાવાદનો છે. જાણકારી અનુસાર મીઠાઇની દુકાનમાં કામ કરતા એક કર્મચારીને મોબાઇલ અપાયો હતો. તેના જ નંબરનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે કરાતો હતો. એક દિવસ અચાનકથી તેનો નંબર બંધ થયો. સર્વિસ પ્રોવાઇડરને ફરિયાદ કરતા નંબર ફરીથી એક્ટિવ થયો. જોકે ત્યાં સુધીમાં ખાતામાંથી 75 લાખ રૂપિયાની ઉઠાંતરી થઇ ચૂકી હતી.

કેસ - 4ઃ અમદાવાદની એક ફાર્મા કંપની સાથે 37 લાખની ઠગાઇ
જાન્યુઆરી 2022: અમદાવાદની એક ફાર્મા કંપની સાથે 37 લાખ રૂપિયાની ઠગાઇ કરાઇ હતી. કોઇ અજાણ્યા શખ્સે કંપનીના એક કર્મચારીનું સિમકાર્ડ બંધ કરાવ્યું હતું. આ પછી ખાતામાંથી પૈસા સાફ થઇ ગયા. કંપની અનુસાર કોઇ વ્યક્તિ દ્વારા સિમકાર્ડ બંધ કરાવવાની રિક્વેસ્ટ મોકલાઇ હતી. આ બાદ સિમ બંધ થઇ ગયું. આ પ્રકારના કિસ્સાઓમાં સર્વિસ પ્રોવાઇડરની જવાબદારી રહે છે. તેઓએ ટેલિકોમ કંપની વિરુદ્વ ફરિયાદ દાખલ કરી છે.

... વાંચો, સાઇબર ઠગો કેવા લોકોને ટાર્ગેટ બનાવે છે
જે ખાતામાંથી લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થતાં હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવે છે. બલ્કમાં સિમ ખરીદનારી કંપનીઓને પણ ઠગો શિકાર બનાવે છે.

કેવી રીતે સિમ સ્વેપિંગ થાય છે
સિમ સ્વેપિંગનો અર્થ તમારા જ નંબરથી અન્ય સિમકાર્ડ કઢાવીને તમારા સિમને ડિએક્ટિવેટ કરવો. સિમ માટે જરૂરી દસ્તાવેજોની કોપી પણ ઠગો પાસે ઉપલબ્ધ રહે છે. તમારો નંબર બંધ થતા જ ઠગો પાસે એ જ નંબર એક્ટિવ થઇ જાય છે. અનેકવાર SMS મારફતે તમને લિન્ક મોકલાય છે. તેના પર ક્લિક કરવાથી સિમ ડિએક્ટિવેટ થવાનો ઓપ્શન સિલેક્ટ થઇ જાય છે. અનેક મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે બલ્કમાં સિમકાર્ડની ખરીદી કરે છે. તેના માટે કર્મચારીઓના લાઇવ ફોટોની આવશ્યકતા રહેતી નથી.

મોબાઇલમાંથી નેટવર્ક ગાયબ થતાં જ રહો સાવધ
સાઇબર એક્સપર્ટ સ્નેહલ વકીલે જણાવ્યું કે નેટવર્ક ગાયબ થતાં જ ફોનને તરત જ રિસ્ટાર્ટ કરો. તોપણ નેટવર્ક ના આવે તો નેટવર્કની સમસ્યાની ખરાઇ કરો. તમારા નંબરથી કોઇ અન્ય સિમ સક્રિય કરાયું છે કે નહીં તે અંગે સર્વિસ સેન્ટરમાંથી તપાસ કરો.

જે કંપની બલ્કમાં સિમ લે છે તેમાં લાઇવ ફોટો જરૂરી નથી
એક સર્વિસ પ્રોવાઇડરના કર્મચારીએ જણાવ્યું કે જો કોઇ કોર્પોરેટ કંપની પોતાના કર્મચારીઓ માટે બલ્કમાં સિમકાર્ડ લે છે તો તેઓ માટે લાઇવ ફોટોની આવશ્યકતા રહેતી નથી. આ જ કારણથી આવી કંપનીઓ ઠગોના લિસ્ટમાં વધુ હોય છે.

જાણવા જેવી વાત: ઠગ એવો દિવસ પસંદ કરે છે જેના આગલા દિવસે હોલિડે હોય
સાઈબર ક્રાઇમ સેલના એસીપી વાય.એ. ગોહિલએ જણાવ્યું કે સિમ સ્વેપ કરનારા ઠગો એવો દિવસ પસંદ કરે છે જેની આસપાસ રજા હોય છે. જેથી સિમ બંધ થતા તમે સર્વિસ સેન્ટર સાથે સંપર્ક કરી શકો નહીં અને ઠગો સરળતાથી તમારા ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લે.

સિમ સ્વેપિંગથી કઇ રીતે બચી શકાય છે? - સાઈબર એક્સપર્ટ, ડો. સ્નેહલ વકીલ
નકલી બેન્કિંગ વેબસાઇટથી બચો

શું નહીં કરવું: ગૂગલ પર પોતાની બેન્ક વિશે સર્ચ કરતી વખતે નકલી બેન્ક વેબસાઇટથી બચો.
શું કરવું: બેન્કની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરો. જેથી આઇડી-પાસવર્ડ સુરક્ષિત રહે. સમયાંતરે પાસવર્ડ બદલતા રહો.

અજાણ્યા નંબરને લઇને સતર્ક રહો
શું ના કરવું:
જો કોઇ વારંવાર ફોન કરીને પરેશાન કરી રહ્યું હોય તો ભૂલમાં પણ ફોન ના કાપો. તેઓ ફોન કટ કરવાથી એ જ નંબરનું સિમ એક્ટિવ કરશે.
શું કરવું: કોઇ અજાણ્યા નંબરથી સતત કોલ આવતો હોય તો એ નંબરને બ્લોક કરો.

કોઇ પણ કમિશનની લાલચથી દૂર રહો
શું ના કરવું:
તમારા ખાતામાં પૈસા જમા કરવાની લાલચમાં ફસાશો નહીં. તમારો ડેટા ઠગો સુધી પહોંચી શકે છે.
શું કરવું: આવી લાલચથી દૂર જ રહો. લાલચના ચક્કરમાં લાખોનો ચૂનો લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...