ચેક બાઉન્સના કેસોમાં સતત અપાઇ રહેલી સજાઓ વચ્ચે એક કડવી હકિકત એ પણ છે કે 55 હજારથી વધુ કેસમાં કોઈ આરોપીએ હજી સુધી સજા કાપી નથી. અપીલ પિરિયડનો લાભ લઇને કે જામીન લઇને આરોપીઓ ફરી એ જ કામ કરતા થઈ જાય છે. એવા પણ આરોપી છે જેમના પર 300થી વધુ કેસ હોય છતાં સજા કાપી નથી. એડવોકેટ વિનય શુકલા કહે છે કે, ‘ડર નથી. કેમકે સજાની જોગવાઈ ઓછી છે. જોગવાઈ વધારવી જોઈએ. આ ઉપરાંત કેસ ચાલવામાં મોડું થાય છે. સમન્સ અને વોરન્ટ ઇશ્યુ થતાં જ અનેક કેસમાં તો વર્ષો વિતી જાય છે.’
અપીલ પિરિયડ અને જામીન, આરોપી બહાર
એડવોકેટ અશ્વિન જોગડિયા કહે છે કે ચેક બાઉન્સના કેસોમાં સમગ્ર પ્રોસિજર પણ સમજવા જેવી છે. નીચલી કોર્ટ સજા કરે એટલે આરોપીને અપીલનો મોકો મળે છે એટલે જે તે સમયે તે જેલમાં જતો નથી. બાદમાં કેસ સેશન્સમાં ચાલે છે અને આ દરમિયાન જો સમાધાન થઇ જાય તો કેસ આટોપી લેવામા આવે છે અ્ને જો પાર્ટીઓ વચ્ચે સમાધાન ન થાય તો કેસ ચાલે છે. સેશન્સમાં આરોપીને સજા થાય તો જેલ જવાનો વારો આવે છે પરંતુ મોટાભાગના કેસમાં બાદમા હાઇકોર્ટમાં જામીન મળી જાય છે.
આરોપીની સંપત્તિ વેચીને રિકવરી થવી આવકારદાયક
એડવોકેટ નરેશ ગોહિલ કહે છે કે કેટલાંક કેસોમાં કોર્ટ દ્વારા સંપત્તિ વેચીને રિકવરી કરવાના પણ આદેશ કરવામાં આવતા હોય છે. રિકવરી માટે જે ખરેખર આવકારદાયક છે.
જલદી સમન્સ બજી શરૂઆતના સાત દિવસમાં જેલ થાય તે જરૂરી
ચેક બાઉન્સમાં આરોપી સામે જલદી સમન્સ બજે શરૂઆતના 7 દિવસ જેલ થાય. નોન બેેલેબલ વોરન્ટ અપાય. > નરેન્દ્ર સાબુ, પ્રમુખ, મર્કન્ટાઇલ એસો.
ભાસ્કર એક્સપર્ટ : ઉપાય: કાયદો કડક બનાવી વોરન્ટ માટે એક સ્કવોડ બનાવવી જરૂરી
એડવોકેટ વિનય શુકલા કહે છે કે ખરેખર તો કેસ જ્યારે દાખલ થાય અને સમન્સની બજવણી કરવાની હોય ત્યારે ઝડપ થતી નથી. જેના કારણો પણ મળતા નથી. આરોપી નથી, બહાર છે, દુકાને નથી કે શું થયું છે ખરેખર તે જાણવું જરૂરી છે. પરંતુ સમન્સ બજતો નથી અને વર્ષો પછી બજે તો આરોપી હાજર થતો નથી અને હાજર થાય તો કેસ દરમિયાન ગાયબ થઈ જાય છે. સુરતમાં મોટાભાગના કેસ બહાર ગામના વેપારીઓના હોય છે. જો આવા આરોપી હાજર ન થાય તો વોરન્ટ નિકળે છે. પરંતુ સમયસર બજાવાતા ન હોય એવા કિસ્સા છે. ખરેખર તો કેસ ચાલવા પહેલાં જ ઢીલા થઈ જાય છે. થવું એવું જોઇએ કે સમન્સ કે વોરન્ટ બજવણી માટે પોલીસની સ્કવોડ હોય જે દેશમાં જ્યાં બજવણી કરવાની હોય ત્યાં કરે અને આરોપીને પણ લઇ આવે. જેમ FIRમાં થાય છે. આ ઉપરાંત ચેક બાઉન્સના કેસમાં સજાની જોગવાઈ વધારવા બાબતે પણ અનેક વકીલો સહમત છે. કેમકે બચાવ પક્ષના વકીલો એવી જ દલીલ કરતા હોય છે કે આરોપી જેલમા રહેશે તો કમાશે કેવી રીતે. સજાની જોગવાઈપણ ઓછી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.