કતારગામ આકારણી કૌભાંડ:1.13 કરોડ જ વેરો ચુકવતા 51 પાર્ટી પ્લોટે હવે 2.87 કરોડ ભરવા પડશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને વર્ષે પોણા બે કરોડનો ચૂનો
  • રિએસેસમેન્ટના પુરાવા, સહી કરનારાઓની યાદી મંગાવાઈ

કતારગામ ઝોનના આકારણી દફતરે નોંધાયેલા પાર્ટી પ્લોટના માપ ઓછા જ્યારે પાર્કિંગ એરિયા વધુ નોંધી સુરત મહાનગરપાલિકાને વેરા પેટે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. રિ-એસેસમેન્ટમાં મળેલી હકીકતોને આધારે પાલિકાએ 51 પાર્ટી પ્લોટ ધારકોને કરોડો રૂપિયાની લેણી સાથે ખાસ નોટિસ મોકલી છે.

પાલિકા કમિશનર દ્વારા રિવિઝન એસેસમેન્ટમાં જે તે વખતે કયા પુરાવાના આધારે ફેરફાર કરાયા, આકારણી સર્વેયર તથા એન્ટ્રી એપ્રુવલ કરનાર અધિકારી તરીકે કોણે કોણે સહી કરી હતી તેની માહિતી માંગવામાં આવી છે. 51 પાર્ટી પ્લોટે ઓછી આકારણી દર્શાવી દર વર્ષે પોણા બે કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યાં હતા.

કતારગામ ઝોનના પાર્ટી પ્લોટ ધારકોના આંતરિક વિખવાદ બાદ સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે 9 પાર્ટી પ્લોટની નામજોગ ફરિયાદ કરી આકારણી કૌભાંડ હોવાની ફરિયાદ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જ મોટા ભાગના પાર્ટી પ્લોટ ધારકોએ કાગળ પર દર્શાવેલા પાર્કિંગ સ્થળ પર મળી આવ્યાં ન હતાં. તોતિંગ વેરાથી બચવા આ કારસ્તાન કરાયું હોવાથી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે શહેરભરના 300થી વધુ પાર્ટી પ્લોટનાં રિ-એસેસમેન્ટ કરવા માટે આદેશ કર્યાં હતાં.

કતારગામ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે 11 સર્વેયરોને શો-કોઝ નોટીસ ફટકારી નવી આકારણી નોંધવાની કવાયત શરૂ કરી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે કતારગામ ઝોનના પાર્ટી પ્લોટ ધારકોને ખાસ નોટિસ સાથે બેક ડેટના વેરિએશન ઍસેસમૅન્ટ મુજબ વધારાના બિલ ફટકારવામાં આવ્યા હતાં. જેમાં કોઇને 28 લાખ રૂપિયા તો કોઇને 45 લાખ રૂપિયાનો બિલ મળતા મિલકતદારોમાં દોડધામ મચી જવા પામી હતી.

પાછલી બાકી વસૂલવા માટે નોટિસ ફટકારી છે
નવી આકારણી મુજબ પાછલી બાકી વસુલવા નોટિસ ફટકારી છે સાથે જ નવી આકારણી પ્રમાણે હવે દર વર્ષે પોણા બે કરોડ રૂપિયા વધુ આવક નોંધાશે. અત્યાર સુધી દર વર્ષે 1,13,78,868 રૂપિયા 51 પાર્ટી પ્લોટ ધારકો પાસેથી વેરા પેટે મળી રહ્યાં હતાં. જોકે હવે 2,87,25,675 રૂપિયાની વેરા પેટે વસુલાત કરાશે. > દેવાંગ પટેલ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...