ઉદ્યોગકારોને વધુ એક ફટકો પડવાની સંભાવના:મેખલા સાડી પર આસામમાં પ્રતિબંધ મુકાતાં સુરતના વેપારીઓના 500 કરોડ અટવાયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટોક, લેણી, કાચામાલ સહિતનો રિપોર્ટ મોકલાશે

સુરતમાં પોલિએસ્ટર કાપડમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મૂકતાં સોમવારે ફોસ્ટાએ મિટિંગનું આયોજન કર્યું હતું. સુરતના વેપારીઓના 500 કરોડથી વધુ બાકી હોવાનો મુદ્દો આ મિટિંગમાં ઉછળ્યો હતો.

સામાન્ય રીતે દિવાળીમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી રહે છે પરંતુ ગત દિવાળીએ ખાસ વેચાણ થયું ન હતું. ત્યાર બાદ લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી. દરમિયાન આસામી સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ પોલિએસ્ટરમાંથી બનાવે છે. જેને આસામ સરકારે બેન કરી દીધી છે.

આ સાડીથી આસામની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થવાનું કારણ આપીને બેન કરાઈ હતી. જેથી સુરતના ઉદ્યોગકારોને વધુ એક ફટકો પડવાની સંભાવના છે. બે રાજ્યોના વેપારીઓ વચ્ચે વિરોધ ઊભો કરવાથી માર્કેટના બિઝનેસ પર અસર થઈ શકે છે. ફોસ્ટા (ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર એસોસિએશન)એ વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું,

જેમાં ટ્રેડર્સ, વિવર્સ, યાર્ન અને જરીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ અલગ અલગ ચાર ઘટકો આ સાડીનો સુરતમાં કેટલો સ્ટોક છે, ઉઘરાણી કેટલી બાકી છે, કાચો માલ કેટલો પડ્યો છે તેનો રિપોર્ટ તૈયાર કરશે. ત્યાર બાદ ફોસ્ટાની આગેવાનીમાં વેપારીઓ દિલ્હી ખાતે કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશને રજૂઆત કરશે.

હોળીના તહેવાર બાદ સુરતના વેપારી દિલ્હી જશે
ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, ‘ટેક્સટાઈલ ઉદ્યોગોના અલગ અલગ ઘટકો રિપોર્ટ તૈયાર કરશે અને હોળી બાદ રાજ્ય કક્ષાના કેન્દ્રિય કાપડ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં રૂબરૂ મળીને આ મુદ્દે રજૂઆત કરાશે.’

અન્ય સમાચારો પણ છે...