એટીએમમાં ટેક્નિકલ ખામી:BOBના ATMમાં 100 રૂપિયા કાઢતા 500 નીકળ્યા, 20 લોકોએ કલાકમાં ATM ખંખેર્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર પાટિયા ખાતેના ATMમાં ટેક્નિકલ ખામી સર્જાતાં 60 હજાર ઉપડી ગયા
  • 8 જણાએ રૂપિયા પરત કરી દીધા, 12 જણાએ કહ્યું કે, ‘અમે તો રૂપિયા વાપરી નાંખ્યા છે’

પાલનપુર પાટિયા ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી વધારે રૂપિયા નિકળતા બેંકના મેનેજરો દોડતા થઈ ગયા હતા. એટીએમમાં ટેક્નિકલ ખામીથી 20થી વધુ લોકો દ્વારા વધુ રૂપિયા બહાર નીકળી ગયાનું બેંક મેનેજરે જણાવ્યું હતું.

બેન્ક ઓફ બરોડાના પાલનપુર પાટિયા ખાતેની બ્રાંચના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે એટીએમમાંથી વધારે રૂપિયા નીકળી રહ્યા હતાં. એટીએમમાં રૂપિયાં કાઢવા જેટલી રકમ નાંખી હોય તેેના કરતાં વધારે રૂપિયા નિકળી રહ્યા હતાં. આ રીતે BOBના એટીએમમાંથી 20 લોકો દ્વારા રૂપિયા ઉપાડાયા હતાં. અંદાજે 60 હજાર આસપાસ આ રકમ હોવાની શક્યતા છે. બેન્કના અધિકારીઓને જાણ થતાની સાથે જ એટીએમ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું અને ટેક્નિકલ ખામીને સુધારીને ફરી એટીએમ શરૂ કરાયું હતું. બાદ બેન્ક દ્વારા 20 લોકોનો સંપર્ક કરતા 8 લોકોએ પરત કર્યા હતાં અને અન્ય 12 લોકોએ કહ્યું હતું કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે.

રૂપિયા પરત નહીં કરે તો એફઆઈઆર પણ કરાશે : બેંક અધિકારી
બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જે લોકોએ રૂપિયા ઉપાડ્યા છે તેમના તેઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. 20માંથી 8 લોકો દ્વારા રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના લોકો દ્વારા રૂપિયા આપવામાં આવ્યા નથી. પહેલા તેમને સમજાવવામાં આવશે. તેમ છતાં રૂપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ બેન્ક દ્વારા તૈયારી શરૂ કરાઈ છે.

100ની નોટના રેકમાં 500ની નોટ મુકી દીધી
એટીએમમાં 100, 500, 2000ની નોટો મુકવા માટે અલગ અલગ રેક એટલે કે બીન હોય છે. રૂપિયા ફિલઅપ ‌વખતે ભૂલથી 100ની નોટના બીનની જગ્યાએ 500ની નોટનું અને 500ની નોટના બીનની જગ્યાએ 100નું બીન મુકાતા ખામી સર્જાઈ હતી.

8 જણાએ રૂપિયા પરત કરી દીધા છે : DGM
ડિજીએમ સી.સેલ્વારાજૂએ કહ્યું હતું કે, ‘ટેક્નિકલ ખામીથી આ સમસ્યા થઈ હતી. 20 લોકો દ્વારા રૂપિયા ઉપાડ્યા હતાં, જેમાંથી 8 લોકોએ પરત આપી દિધા છે. અન્ય લોકોને સમજાવીને તેમની પાસેથી વધારાને જે રૂપિયા છે તે પરત લેવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...