કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં લોકોને લૂંટતા 50 વેપારીઓને રૂ.1.02 લાખનો દંડ, 633 દુકાનો પર ચેકિંગ 

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરત-તાપીમાં મેડિકલ સહિતની 633 દુકાનો પર ચેકિંગ

લોકડાઉનની સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને લોકો પાસેથી માસ્ક, સેનેટાઇઝર તથા જીવન જરૂરી વસ્તુઓની છાપેલી કિંમત કરતા વધુ પૈસા વસુલતા 50 જેટલા વેપારીઓને મે માસ દરમિયાન તોલમાપ વિભાગે પકડી પાડી તેમની પાસેથી રૂ.1.02 લાખનો દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરત જિલ્લા કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા મે મહિના દરમિયાન સુરત અને તાપી જિલ્લામાં આવેલા મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, તથા શાકભાજીના વેપારીઓ મળી કુલ 633 એકમો પર અચાનક તપાસ કરાઇ હતી. જેમાં 50 વેપારીઓ દ્વારા ગેરરીતિ આચરાયાનું જણાતાં તેમની સામે કેસ કરીને કુલ રૂ.1,02,900નો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત કતારગામ વિસ્તારની જય અબુર્દા કરીયાણા સ્ટોર, વરીયાવની દેવનારાયણ કિરાણા સ્ટોર, ગોડાદરાની ખુશ્બુ કિરાણા સ્ટોર, નાના વરાછાની શ્રી દેવ મેડીકલ સ્ટોર, જહાગીરપુરાની મંગલ કરિયાણા સ્ટોર, અડાજણ વિશાલ નગરની શ્રી જય હનુમાન કિરાણા સ્ટોર ખાતે આવેલા એકમો સામે ગ્રાહકો પાસેથી ચીજવસ્તુઓની છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેતા હોવાનું ધ્યાને આવતા ધી પેકેજીંગ કોમોડીટી રૂલ્સ-2011 તથા ધી લીગલ મેટ્રોલોજી એકટ-2009 અન્વયે પ્રોસીકયુશન કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂા.10,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
20 રૂપિયાના માસ્કના 50 વસૂલાતા હતા
લોકડાઉનમાં કેટલાક વેપારીઓએ માસ્ક, સેનેટાઇઝર તેમજ અનાજના ભાવ પણ વધારી દીધા છે. મનફાવે તેમ ગ્રાહકોને લૂંટ્યા હતા. ખાસ કરીને માત્ર રૂ.20ના માસ્કના દુકાનદારો રૂ.40થી 50 સુધી વસુલતા હતા. હાલમાં મળતા 45 થી 50 રૂપિયામાં મળતા સેનેટાઇઝરના રૂ. 100 સુધી વસુલવામાં ‌આવતા હતા. તો કેટલાક કરિયાણાના વેપારીઓએ દાળ ચોખાના ભાવ પર રૂ.15 જેટલો વધારો કરી દીધા હતો. છાપેલી કિંમત વાળી પેકિંગ વસ્તુ પર પણ રૂ.10 નો વધારો લેવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...