‘20 પૈસાના ભાવવધારા વગર જે કર્મચારીઓ કામ પર જશે તેના હાથ-પગ કાપી નાંખવામાં આવશે.’ ઉડિયા ભાષામાં આવા પોસ્ટર લખીને વાઇરલ કરાતાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કર્મચારીઓએ ડરને કારને કારખાનાઓમાં આવાવનું ફરી બંધ કરી દીધું છે. એક અઠવાડિયા સુધી વીવિંગ યુનિટો રાબેતા મૂજબ ચાલ્યા બાદ ફરી બંધ થઈ ગયા છે. જેથી એસોસિએશને નિર્ણય કર્યો છે કે, જ્યાં સુધી પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી ન કરે ત્યાં સુધી એકમો બંધ રખાશે.
પત્રો દ્વારા અપાયેલી ધમકીને કારણે એસ્ટેટના વીવિંગ એકમોમાં કામ કરતાં કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. દર વર્ષે દિવાળી બાદ અમાસાજીક તત્વો દ્વારા આ જ રીતે કર્મચારીઓને ડરાવી ધમકાવીને ભય ફેલાવવામાં આવે છે. આ બાબતે અંજની એસોસિએશન દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે. હવે જ્યાં સુધી અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિવિંગ એકમો બંધ રાખવાની જાહેરાત અંજની ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.’
અંજની એસ્ટેટમાં 1200માંથી 350 વીવિંગ યુનિટ
આ એસ્ટેટમાં કુલ 8 વિભાગમાં 1200 એકમો છે, જેમાંથી 350 જેટલાં વીવિંગ યુનિટ છે. જેમાં 50 હજારથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 5 નવેમ્બરને શનિવારના રોજ વિવિંગ એકમોના વેકેશન ખુલી ગયા હતાં. 12 નવેમ્બરને શનિવાર સુધી એકમો રાબેતા મુજબ ચાલ્યા બાદ ફરી કારીગરોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ગત શનિવારની રાતથી જ કર્મચારીઓએ વિવિંગ એકમોમાં રજા રાખી દિધી હતી.
યુનિટો માંડ અઠવાડિયું ચાલ્યાં ને ફરી બંધ કરાયાં
અંજની ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું કે, ‘દર વર્ષે અસામાજીક તત્વો કારીગરોને પરેશાન કરે છે. એક અઠવાડિયું યુનિટો ચાલ્યા ત્યાં ફરી કારીગરોએ ધમકીથી ડરીને આવવાનનું બંધ કરી દીધું છે. હવે જ્યાં સુધી આવા તત્વોને પકડીને કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી એસ્ટેટના વીવિંગ એકમો ખોલવામાં આવશે નહીં.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.