સમસ્યા:આર્થિક પાટનગર સુરતમાં ચેકબાઉન્સના 50 હજાર પેન્ડિંગ કેસ, રાજ્યમાં 3 લાખ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ સુરતમાં ચેકબાઉન્સ માટે 4 કોર્ટ છે છતાં વધતાં કેસોના લીધે ખાસ કોર્ટ શરૂ કરાઇ
  • કોરોનાકાળ​​​​​​​ દરમિયાન માત્ર એક મહિનામાં જ ચેકબાઉન્સની 1 હજાર અરજી આવી હતી

કોરોનાકાળ અને તે અગાઉની સ્થિતિ વચ્ચે જિલ્લા ન્યાયાલયમાં વધી રહેલી ચેક બાઉન્સની સંખ્યા હાલ પચાસ હજારને પાર થઇ ગઈ છે. સમગ્ર રાજયમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ત્રણ લાખની નજીક છે. ચેક બાઉન્સના કેસોનું ઝડપથી નિકાલ થાય એ માટે હાલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેરોમાં ચેક બાઉન્સની અલાયદી ખાસ કોર્ટ શરૂ કરવામાં આવી છે. એડવોકેટ ધર્મેશ પટેલ કહે છે કે ચેક બાઉન્સના કેસોનો ઝડપી નિકાલ તરફની આ પહેલ આવકારદાયક છે. સૂત્રો કહી રહ્યા છે કે લોકડાઉન દરમિયાન કોર્ટ બંધ હતી અને જ્યારે ફરી શરૂ થઈ તે દરમિયાન એક જ મહિનામાં ચેક બાઉન્સની એક હજારથી વધુ અરજીઓ આવી હતી.

હવે આરોપીની મિલકત વેચી ફરિયાદીને વળતર અપાય છે
હાલ સુરત જિલ્લા ન્યાયાલયમા ચેક બાઉન્સના પચાસ હજાર જેટલાં કેસો છે. અમદાવાદમાં હાલ બે લાખ જેટલાં કેસો પેન્ડિંગ છે એટલે નિવૃ્ત જજની નિમણૂક સાથે અને નિવૃત્ત સ્ટાફની સાથે હાલ કોર્ટ શરૂ કરવામાં આવી છે અને તેમાં કેસો પણ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે કે ચેક બાઉન્સના કેસોમાં હવે આરોપીની મિલકત વેચીને ફરિયાદીને વળતર આપવા માટેના આદેશો પણ થાય છે. નોંધનીય છે કે શહેરમાં ચેક બાઉન્સની કુલ ચાર જેટલી સ્પેશિયલ કોર્ટ છે.

ફસાયેલી રકમ ઝડપથી છુટી જાય
​​​​​​​એડવોકેટ સોનલ શર્મા કહે છે કે ચેક બાઉન્સના કેસોમાં ફરિયાદી સાચો હોય તો એક રીતે તેની રકમ ફસાતી હોય છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રએ અગ્રેસર સુરત શહેર રાજયની આર્થિક રાજધાની ગણાય છે અને અહીં દેશભરમાંથી વેપારીઓ ટેક્સટાઇલ સહિતની ખરીદી માટે આવતા હોય છે. જેમાં ચેકથી મોટા પાયે વ્યવહારો થતાં હોય છે. ચેક બાઉન્સના કેસોમાં કેસનો ઝડપી નિકાલ કરવા તરફનો પ્રયાસ થઈ રહ્યો છે જેના લીધે લોકોની ફસાયેલી રકમ પણ વળતર તરીકે ઝડપથી મળવાની આશા બંધાઈ છે. ધંધાકીય સરળતા માટે પણ આ વ્યવસ્થા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...