બસ આ જ બાકી હતું:સુરતમાં ભાજપના ધો. 5 પાસ MLA ઝાલાવાડિયા જ ઝોલાછાપ, કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીને ઇન્જેક્શન લગાવે છે

સુરત5 મહિનો પહેલા
મેડિકલ સ્ટાફ સાથે હોવા છતાં ધારાસભ્યે ઈન્જેક્શન લગાવ્યું.
  • કામરેજના ધારાસભ્ય કોરોના દર્દીને રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો વાઇરલ
  • દર્દીને ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો, દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથીઃ ધારાસભ્ય

સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટર (આઇસોલેશન સેન્ટર)માં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા વીડિયો વાઇરલ થયા છે. વીડિયો પરથી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી.

મેડિકલ સ્ટાફ હોવા છતા ઈન્જેક્શન આપ્યું
સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે.

મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યું
વીડિયો પ્રમાણે, જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કહ્યું છે.

ધારાસભ્યે કહ્યું- ડોક્ટર કહ્યું એટલે ઈન્જેક્શન મારી દીધું.
ધારાસભ્યે કહ્યું- ડોક્ટર કહ્યું એટલે ઈન્જેક્શન મારી દીધું.

દર્દીઓની સેવા માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી
ભારતીય જનતા પાર્ટીના નેતાનું અત્યાર સુધીનું વર્તન થોડાઅંશે કોરોના સંક્રમણ સમય દરમિયાન કેટલીક કામગીરીને બાદ કરતા ગંભીરતા વગરનું જણાયું હતું તે પછી જાહેર સભાઓ હોય રેલીઓ હોય કે આઇસોલેશન સેન્ટરના ઉદ્ઘાટનમાં ટોળે ટોળા એકત્રિત કરવાની વાત હોય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાઇરલ થયેલા વીડિયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.

ધારસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ પોતાનો બચાવ કર્યો.
ધારસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ પોતાનો બચાવ કર્યો.

મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું
વી.ડી. ઝાલાવાડિયાએ Divya Bhaskar સાથે કરેલી વાતચીતમાં સ્વિકાર્યું હતું કે, કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં 2 દિવસ અગાઉનો આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોતે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઇન્જેકશન આપવામાં કંઈ ખોટું નથી. મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું છે. દર્દીને મે ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો છે. દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથી.

ઈન્જેક્શન ભરતી વખતે હસતા હોવાથી ગંભીરતા ન હોવાની ચર્ચા.
ઈન્જેક્શન ભરતી વખતે હસતા હોવાથી ગંભીરતા ન હોવાની ચર્ચા.

દોષનો ટોપલો ડોક્ટર પર ઢોળી ધારાસભ્યે પોતોનો બચાવ કર્યો
વી.ડી. ઝાલાવાડિયાએ જે રીતે બેફિકરાઈથી જવાબ આપ્યા છે તેના પરથી તેમની કોરોના સંક્રમણ દર્દી સાથેની સંવેદનશીલતા છતી થઇ રહી છે. સામાન્ય રીતે ધારાસભ્યોનો અહમ તરત જ ભરાઇ જાય છે. જ્યારે સામેવાળી વ્યક્તિ તેમને કોઈ કામ કરવા માટે કહે છે પરંતુ તેઓએ જવાબ આપ્યો કે, ડોક્ટરે તેમને કહ્યું એટલા માટે તેમણે આપ્યું છે. જોકે આ વાતમાં તથ્ય જણાતું નથી. કોઈ ડોક્ટર ધારાસભ્યને આ પ્રકારની વાત કરે તે ગળે ઊતરે તેમ નથી. કદાચ પોતાનો બચાવ કરવા માટે ડોક્ટર ઉપર સમગ્ર વાત ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. માની લઈએ કે ડોક્ટરે તેમને કીધું પણ હોય પરંતુ તેમણે પોતે ધારાસભ્ય તરીકે એટલી તો જાણકારી તો હોય કે દર્દીને આ રીતે તેઓ ઇન્જેક્શન ના આપી શકે.