મહાદાન:ખેડાની બ્રેનડેડ થયેલી વૃદ્ધાનાં અંગોનું કિરણ હોસ્પિટલમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરી 5ને નવજીવન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 કિડની સુરતના યુવકમાં, બીજી બિલીમોરાના આધેડમાં, ભરૂચના વૃદ્ધને લિવર

ખેડાની બ્રેનડેડ વૃદ્ધાનાં અંગોનું પરિવારે દાન કરી 5 વ્યક્તિને નવું જીવન આપ્યું છે. કિરણ હોસ્પિટલમાં બ્રેનડેડ જાહેર કરાયેલી વૃદ્ધાના અંગોનું કિરણ હોસ્પિટલમાં જ અન્ય દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જેમાં એક કિડનીનું સુરતના યુવાનમાં, બીજી કિડનીનું બિલીમોરાના આધેડમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના વૃદ્ધમાં કરાયું છે તેમજ બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ હવે કરાશે. ખેડાના ઠાસરા તાલુકાના કાલસર ગામના ભારતીબેન કનુભાઈ પટેલ (60)ને વારંવાર ચક્કર આવતા હોવાથી તેમની પુત્રી મયુરી તેમને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

ત્યા નાના મગજની નસમાં ફુગ્ગો હોવાનું નિદાન થતા પરિવારજનો સુરતની કિરણ હોસ્પિટલમાં 5મીએ લઈ આવ્યા હતા. 6ઠ્ઠીએ ડોક્ટરોએ સર્જરી કરી ફુગ્ગો દુર કર્યો હતો. જો કે, 8મીએ ભારતીબેનને તબીબોએ બ્રેનડેડ જાહેર કર્યા હતા. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવાર તરફથી સંમતિ મળતા સોટોનો સંપર્ક કરાયો હતો. સોટોએ કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવ્ય હતા. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 22 વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બિલીમોરાના 53 વર્ષીય આધેડમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના 61 વર્ષીય વૃદ્ધમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...