શહેરમાં મંગળવારે કોરોનામાં ઓલટાઇમ હાઈ 3563 કેસ નોંધાયા છે. જ્યારે 2246ને રજા અપાઈ હતી. શહેરમાં સત્તાવાર 2 અને જિલ્લામાં 3 મળી 5 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં 1 કોરોના પોઝિટિવ દર્દીઓનું બિનસત્તાવાર મોત થયું છે. કોરોનાના વધતા સંક્રમણ સાથે શહેરમાં 2 અઠવાડિયામાં શરદી-ખાંસી, તાવ (ARI)ના કેસોમાં 6 ગણો ઉછાળો આવ્યો છે. બે અઠવાડિયા પહેલાંના 1468 કેસ હાલમાં 8493 (6 ગણા) થઇ ગયા છે. મંગળવારે 39 સ્ટુડન્ટ તથા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 9 અને ટેકસટાઇલ સાથે સંકળાયેલા 4 લોકો પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 1763 લોકોએ ફુલ્લી વેક્સિનેટેડ છે. 40એ એક જ ડોઝ લીધો છે. 39 લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે 17 લોકોએ વેક્સિન લીધી જ નથી.
વરાછાની 2 સોસાયટી, નાનપુરામાં એપાર્ટમેન્ટ અને SVNIT કવાટર્સ ક્લસ્ટર
વરાછા ઝોન-એના કરંજ વિસ્તારની રચના સોસાયટીમાં 6 કેસ નોંધાયેલ હોય તેને ક્લસ્ટર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. વરાછા ઝોન-બીના વેલંજા વિસ્તારની સહજાનંદ વાટિકામાં 7 કેસ નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના નાનપુરા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં 10 કેસ નોંધાતા તેને ક્લસ્ટર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. અઠવા ઝોનના ઇચ્છાનાથ વિસ્તારના એસવીએનઆઈટી ક્વાટર્સમાં 8 કેસ નોંધાયેલ હોય તેને ક્લસ્ટર કરી લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવી છે.
શહેરમાં વધુ 39 વિદ્યાર્થીઓ પોઝિટિવ
શહેરમાં મંગળવારે કુલ 39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. આ પૈકી ભૂલકાંભવન, સ્કેટ કોલેજ, અમરોલી કોલેજ, ગાંધી કોલેજ, લૂડ્સ કોનવેન્ટ, પી આર ખાટીવાલા, રાયન, સદ્ભાવના, જે એચ અંબાણી, ગુરુકુળ, એલ પી સવાણી તથા અન્ય સ્કૂલ-કોલેજમાં વર્ગ બંધ કરાવી 672નું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયું છે.
17 દિવસમાં હીરા-કાપડ માર્કેટના 438 પોઝિટિવ
છેલ્લા 17 દિવસમાં સંક્રમણ ઘણું વધતા ડાયમંડ સાથે સંકળાયેલા 233 પોઝિટિવ આવ્યા છે જ્યારે ટેક્ષ્ટાઈલ વ્યવસાય ના 205 પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. ડાયમંડ, ટેક્ષ્ટાઈલ યુનિટો કારખાનાઓમાં માર્કેટોમાં સંક્રમણ ઘણું વધી જતાં ગણતરીના માંડ આંઠ દિવસ માં જ કોરોનાના કેસો બમણાં નજીક નોંધાયા છે. રત્ન કલાકારોના ગત તારીખ 8મીએ 75 કેસો હતાં જે 16મીએ વધી ને 130 પર પહોંચી ગયા હતાં. ટેક્ષ્ટાઈલમાં પણ ગત 8મીએ 85 કેસો વધીને 111 થઈ ગયા છે.
આ સાથે જ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં કોરોનાના કેસ વધુ આવી રહ્યા હોય કડક પગલાં ભરવા તમામ ઝોનલ ઓફિસરોને સુચના આપી છે અને રત્ન કલાકારો, વ્યવસાય કર્તાઓને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર અપનાવી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીગનું અચૂક પાલન કરવા અપીલ કરી છે.
ત્રીજી લહેરમાં લક્ષણો માઇલ્ડ હોવાથી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દી પ્રમાણમાં ઓછા
શહેરમાં કોરોના સાથે વાયરલ ઇન્ફેકશનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ઘરે ઘરે શરદી-ખાંસી, તાવના કેસો જોવા મળી રહ્યા છે. જેથી ક્લિનિકો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ત્રીજી લહેરમાં લક્ષણો માઇલ્ડ હોવાથી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓ ઘણા ઓછા છે. ગત 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમ્યાન એ.આર.આઇ કેસ 1468, 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમ્યાન 5147 અને 10 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી વચ્ચે 8493 કેસ થઇ ગયા છે.
તબીબો શું કહે છે
સિવિલ-સ્મીમેર સિવાય ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં મોટો ફરક પડ્યો નથી. ડો.વિરડીયાએ કહ્યું કે હવે લોકો નજીકના ક્લિનિકોમાં જઈ દવા લઈ લે છે. ડેલ્ટા સામે ઓમિક્રોનની ઘાતકતા ઓછી હોવાથી ઘરે જ સારવાર કરી રહ્યા છે.
ત્રીજી લહેરમાં કુલ કેસ, હાઇએસ્ટ-એક્ટિવ કેસ વધ્યા પણ દાખલ દર્દી ઘટ્યા
કોરોનાની અગાઉની બે લહેરમાં કુલ કેસ 40671થી વધીને 139315 થયા છે, રોજિંદા કેસ 238થી વધીને 3563 થયા છે તથા રોજના એક્ટિવ કેસ 1364થી વધીને 20598 થયા છે, જેની સામે દાખલ દર્દીઓ 4038 પરથી ઘટીને 401 જેટલા રહી ગયા છે. આમ દાખલ દર્દીઓ ઘટ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.