સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી કરોડોની કિંમતના 5 જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરવાના મામલે ક્રાઇમબ્રાંચે વલસાડના ખેડૂત પુત્ર વિજય છીબુ પટેલ(રહે,સરોધી, વલસાડ)ની મોડી રાતે ધરપકડની કાર્યવાહી કરી છે. ખેડૂત પુત્રની પૂછપરછમાં 5 થી 7 નામો સામે આવ્યા છે. જેના આધારે ક્રાઇમબ્રાંચે ટીમો બનાવી શોધવા માટે કામે લાગી છે.
કરોડનો દસ્તાવેજ કૌભાંડમાં અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે સબ રજીસ્ટ્રાર કચેરી સ્ટાફથી માંડીને પટાવાળા સહિત 10 થી 15 જણાની પૂછપરછ કરી છે. પોલીસ તપાસમાં ખેડૂતે એવુ જૂઠ્ઠાણું ચલાવ્યું કે ઘરમાં સાફ-સફાઇ વેળા પિતાની માલિકીની ખજોદની જમીનનો દસ્તાવેજ મળ્યો હતો. જેના કારણે અમને ખજોદ અને વેસુમાં પિતાની માલિકીની જમીન હોવાની ખબર પડી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે, 1961ની સાલમાં વલસાડના છીબુ પટેલ નામથી વેસુ અને ખજોદની જમીનમાં બોગસ દસ્તાવેજો બન્યા હતા. સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી વેસુ અને ખજોદની જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની હકીકતો સામે આવી છે.
આ બોગસ દસ્તાવેજો છીબુ પટેલના પુત્રએ ઘરમાં સાફ-સફાઇ કરતી વેળા મળ્યા હોવાની વાત કરી હતી એટલું જ નહિ પિતાના નામની ખજોદ અને વેસુની જમીનનો સોદો કરવા માટે 5 થી 7 જણા સાથે મીટિંગ પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહિ આ જમીનના સોદા પેટે લાખો-કરોડો રૂપિયાની રકમ પણ લીધી હોવાની વાત સામે આવી રહી છે.
ટૂંકમાં વલસાડના વિજય પટેલને પિતાના નામનો બોગસ દસ્તાવેજ હોવાની ખબર હોવા છતાં તે માર્કેટમાં વેચવા ફરી રહ્યો હતો. ખરેખર આ કેસમાં ક્રાઇમબ્રાંચ ઉંડાણપૂર્વક તપાસ કરે તો સમાજમાં વ્હાઇટ કોલર રાખીને ફરતા તત્વોની સાચી ઓળખ સમાજની સામે ખુલ્લી પડી શકે છે. ક્રાઈમબ્રાંચે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.