સુરતમાં કોરોના સંક્રમણ:રાંદેરમાં એક જ પરિવારના 3 વર્ષના ટ્વિન્સ સહિત 5ને કોરોના, 67 વર્ષના વૃદ્ધ સિવાયના 4 એ-સિમ્ટોમેટિક

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બહારથી આવતા લોકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ. - Divya Bhaskar
બહારથી આવતા લોકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ.
  • હવે અમદાવાદથી પરત ફરતા લોકોના પણ ટેસ્ટ કરાશે, જહાંગીરપુરા, વાલક અને સાયણ ચેકપોસ્ટ પર ટીમો મુકાઈ
  • શહેરમાં નવા 7 કેસમાંથી 5 દર્દી વેક્સિનેટેડ, રાંદેરના પવિત્રા રો-હાઉસ અને સિમંધર કોમ્પલેક્સ કન્ટેઇન્ટમેન્ટમાં મુકાયા
  • 67 વર્ષીય વૃદ્ધને પૂનાથી પરત આવ્યા બાદ લક્ષણો જણાયાં
  • ​​​​​​​શહેરમાં​​​​​​​ બગીચા, ઝૂ, એક્વેરિયમ સહિત ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળોએ પણ ટેસ્ટિંગ માટે ટીમો મૂકાઈ

ઉત્સવોની ઉજવણી બાદ કોરોના સંક્રમણ ઉછાળો ન મારે તે માટે પાલિકાએ શનિવારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ અમલવારી શરૂ કરાવી છે. અમદાવાદમાં સંક્રમણનો ટ્રેન્ડ જોતા હવે અમદાવાદથી આવતા લોકોનું પણ ટેસ્ટિંગ કરવા સુચના આપી છે. શનિવારે વિવિધ એન્ટ્રિ પોઇન્ટ પર કુલ 2939 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. બીજીતરફ શનિવારે શહેરમાં કુલ 7 કેસ નોંધાયા હતા, જે તમામ રાંદેર ઝોનના છે. 7માંથી 5 એક જ પરિવારના છે જ્યારે બાકીના 2 અન્ય પરિવારના છે. 5 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.

આનંદ મહલ રોડના પવિત્ર રો-હાઉસમાં રહેતા પરિવારમાં 67 વર્ષના વૃધ્ધ, 35 વર્ષનો પુત્ર, 31 વર્ષની વહુ અને 3 વર્ષના બે ટ્વીન્સ પૌત્ર પોઝિટિવ આવ્યા છે. થોડા દિવસો અગાઉ આ પરિવાર પૂના દીકરીને ત્યાં ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પહેલા વૃધ્ધ અને પછી બાકીનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે બાકીના ચારેય સભ્યને કોઇ જ લક્ષણ નથી. વૃધ્ધ, તેમના પુત્ર અને વહુ ત્રણેય ફુલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 2 કેસ પાલ સિમંઘર કોમ્પલેક્ષના છે. જેમાં 67 વર્ષના પિતા અને 37 વર્ષનો પુત્ર સંક્રમિત થયા છે. શહેરના 7 અને જિલ્લામાં 1 કેસ સાથે કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે.

બીજીતરફ પાલિકાના મેડિકલ ઓફિસર પ્રદિપ ઉમરીગરે કહ્યું કે, ખાસ તકેદારીના ધોરણે શહેરના એન્ટ્રિ પોઇન્ટ ઉપર વાહન ચાલકોને ક્યાંથી આવ્યાં છો? પુછવામાં આવે છે. જો તેઓ અમદાવાદ કે અમદાવાદ તરફથી આવ્યાં હોય તો તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આવા લોકોનું અત્યાર સુધી ટેસ્ટિંગ કરતા ન હતાં. જોકે સ્થિતિને જોતા આ તકેદારી શનિવાર સવારથી જ શરૂ કરાઇ છે.

શહેરીજનોને પણ કોવિડની ટેસ્ટિંગ પ્રક્રિયામાં સહયોગ આપવા અપીલ
શનિવારે પાલિકાએ અમદાવાદથી પરત ફરી રહેલાં શહેરીજનોને પણ ટેસ્ટિંગ પ્રક્રિયામાં સામેલ કરી લેવાની સુચના આપી હતી. પાલિકાએ કહ્યું કે, ખાસ કરીને જહાંગીરપુરા, વાલક અને સાયણ ચેકપોસ્ટ ઉપર અમદાવાદથી પરત ફરતા લોકોનું પણ ટેસ્ટિંગ કરવા સુચના અપાઇ છે.

8 એન્ટ્રી પોઇન્ટ ઉપર 2,939નું ટેસ્ટિંગ, એક પણ સંક્રમિત નહીં
શનિવારે એરપોર્ટ પર 512 યાત્રીઓનું, સ્ટેશન પર 514, બસ ડેપો પર 128નું ટેસ્ટિંગ કરાયું હતું. જહાંગીરપુરા પ્રવેશદ્વાર પર 210, પલસાણા 342, વાલક 450, સરોલી 595, સાયણમાં 188 મળી કુલ 2939નું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં કોઈ પોઝિટિવ નિકળ્યા ન હતા.

બહારથી આવતા લોકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ
પાલિકાની કચેરીઓ, સિટી-બીઆરટીસ બસ, બગીચા, ઝૂ, એકવેરિયમ, ગોપીતળાવ, સ્વીમીંગ પુલ સહિતના જાહેર સ્થળોએ બંને ડોઝ ન લેનાર પર પ્રવેશ પ્રતિબંધ છે. સોમવારથી આ નિર્ણયનો કડક અમલ કરશે ત્યારે શનિવારે શહેરના જાહેર સ્થળોએ પણ કોવિડની ટેસ્ટીંગ ટીમ મૂકવામાં આવી હતી. જેણે એક પણ ડોઝ લીધો નથી તેમજ સેકન્ડ ડોઝને એલિજેબલ હોવા છતાં મુકાવ્યો નથી તેમને ફરજિયાત ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ અપાશે.

પરોઢિયે ગાંધી બાગમાં વેક્સિનેશન
પાલિકાની ટીમે ગાંધીબાગમાં પરોઢિયાથી જ રસીકરણની કામગીરી શરૂ કરી હતી. શનિવારે 800ના વધારા સાથે શહેરમાં કુલ 27849ને રસી મુકાઇ હતી. રવિવારે 172 સેન્ટર પર રસીકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...