મહાનગર પાલિકા દ્વારા રવિવારે ફરી એકવાર મેગા વેક્સિનેશનનું આયોજન કરાયું છે. કોરોનાનો ડર હતો ત્યાં સુધી લોકોએ વેક્સીન મુકાવવા પડાપડી કરી હતી. પરંતુ હવે કેસ જ નહીં આવતા લોકો બિન્દાસ્ત બની ગયા છે.
કોરોનાના કેસો આવી રહ્યા હતા ત્યારે લોકોએ ઉત્સાહભેર વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી દીધો હતો પરંતુ હવે વેક્સિનનો બીજો ડોઝ મુકાવવામાં આળસ કરી રહ્યા છે. આજની સ્થિતિએ શહેરમાં 4.50 લાખથી વધુ લોકો વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. જેથી પાલિકા દ્વારા આગામી રવિવારે મેગા વેક્સિનેશનનું આયોજન કર્યું છે. અમદાવાદમાં કેસ વધતા સરકારે મેગા રસીકરણ કેમ્પ કરવા સુચના આપી છે.
મહાનગર પાલિકા દ્વારા આગામી રવિવારના રોજ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી મેગા વેક્સિનેશનનું આયોજન કર્યું છે. લાંબા સમયથી સુરત મહાનગર પાલિકા દ્વારા માત્ર શહેરના ૫૨ હેલ્થ સેન્ટરોમાં જ વેક્સીન મુકવામાં આવતી હતી પરંતુ રવિવારે સુરતના ૨૩૨ સેન્ટરો પર વેક્સીન મુકવામાં આવશે. જેના માટે સતત પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ કામે લાગી ગઈ છે. વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય તેવા લોકોને ફોન મેસેજ કરી જાણ કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.