કોરોના કાળમાં નર્સરી અને પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં નહીં જઈ શકેલા બાળકોને હવે સીધા ધોરણ 1માં પ્રવેશ મળતા 40% વિદ્યાર્થીને A ટુ Z આવડવાની વાત તો દૂર પણ 1થી 10 એકડા પણ આવડતા નથી. એટલું જ નહીં, લખવા અને વાંચવામાં પણ તકલીફ પડી રહી છે.
શહેરની સ્કૂલોના પ્રિન્સિપાલો સાથેની વાતચીતમાં જણાયું કે, કોરોનાને કારણે નર્સરી,પ્રિ પ્રાઇમરી સ્કૂલો 2 વર્ષ બંધ હતી. આ સમયમાં માતા-પિતા તરફથી બાળકોને યોગ્ય શિક્ષણ મળ્યું ના હોય અને બાળકની ઉંમર 6 વર્ષની થતા બાળકોને નર્સરી અને પ્રિ-પ્રાઇમરીમાં ભણાવ્યા વિના જ ધોરણ 1માં એડમિશન લીધુ છે.
હવે 6 વર્ષના બાળકને એબીસીડી, કક્કા અને એકડા આવડી રહ્યા નથી. એટલું જ નહીં, લખવા અને વાંચવામાં પણ તકલીફ પડી રહી છે. ઉપરાંત બાળક સ્કૂલમાં બેચેની, અસલામતી અને ખૂબ જ જલ્દી ગુસ્સે થતા પણ જોવા મળી રહ્યા છે. આમ, આવા પ્રકારની સ્થિતિમાંથી બાળકોને બહાર કાઢવા માટે સ્પેશ્યિલ ક્લાસ બનાવવો પડ્યો છે. જેમાં શિક્ષણ સાથે કાઉન્સેલિંગ પણ કરાય રહ્યું છે. એટલું જ નહીં, આવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના પેપરો પણ અલગ બનાવાય રહ્યા છે.
સ્પેશિયલ કલાસ પણ બનાવાયા
ફરજિયાત હોમવર્ક કરવા માટે સૂચના અપાઈ
બાળકોને સ્પે. ટાઇમ આપી જે નથી આવડતું તેનું શિક્ષણ અપાય રહ્યું છે. વાલીઓને સૂચના અપાઈ કે વિદ્યાર્થીનું હોમવર્ક ફરજિયાત જોઇશે. ચિત્ર, ચાર્ટ, રમકડા અને વીડિયોથી બાળક જે નથી ભણ્યો એ ભણાવવા જણાવ્યું છે. એક ટિચર એક વિદ્યાર્થીને પર્સનલ શિક્ષણ આપે છે. - જયેશ પટેલ, આચાર્ય, ઉમરીઘર સ્કૂલ
સ્કૂલ તરફથી થેરાપી પણ અપાઈ રહી છે
વિદ્યાર્થીને ટિચર અને મિત્રો સાથે તાલમેલ મેળવવામાં તકલીફ પડતા સ્કૂલ તરફથી એકેડેમિક અને બિહેવિયર કાઉન્સેલિંગ તથા મોટીવેટ થેરાપી અપાય રહી છે. વાલીઓને ચાઇલ્ડ સાઇકોલોજી, ઇન્ટરએક્ટિવ લર્નિગથી બાળકોને તૈયાર કરવા ટ્રેનિંગ અપાય છે. - ચેતન દાળવાલા,આચાર્ય,SD જૈન મોર્ડન સ્કૂલ
માતા- પિતા માટે પણ સિલેબસ તૈયાર કરાયો
40% બાળકો નર્સરી અને પ્રિ-પ્રાઇમરીમાં ભણ્યા નથી અને ધો.1માં પ્રવેશ લીધો છે. જેઓ માટે નવો સિલેબસ તૈયાર કર્યો છે.પ્રિ-પ્રાઇમરી સ્કૂલના શિક્ષકો ધીમી ગતિએ ભણાવી રહ્યા છે. માતા-પિતાએ ઘરે કેવી રીતે અને ક્યા પ્રકારનું શિક્ષણ આપવું તેનો સિલેબસ પણ તૈયાર કર્યો છે. - મહેશ પટેલ,આચાર્ય,વિદ્યાકુંજ સ્કૂલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.