સુરત મહાનગર પાલિકાના દબાણ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારથી સમગ્ર શહેર વાકેફ છે. લારીવાળાઓ પાસેથી સ્થાનિક અધિકારીઓ રૂપિયા ઉડાવતા હોવાના પણ અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. કતારગામ ઝોનની અંદર ફરી એકવાર મનપાના કર્મચારીઓનો ખરાબ ચહેરો સામે આવ્યો છે. ફ્રુટની 40 જેટલી લારીઓને રસ્તાઓ પર ઉંધી પાડી દેવામાં આવી હતી. આજે સૌ કોઈને રોજ કમાઇને રોજ ખાવાની ફરજ પડી રહી છે એવા સમયે આ પ્રકારનું આર્થિક નુકસાન ગરીબ ફ્રુટ વિક્રેતાઓ માટે અસહ્ય બની જાય છે.
પાલિકાના અધિકારીઓ સામે સવાલો ઉભા થયા
ઘણી વખત ફ્રુટ વિક્રેતાઓ અને શાકભાજી વેચનારાઓ રસ્તા ઉપર ખોટી રીતે દબાણ કરતા હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે દર પંદર દિવસે લારી લઈ જવાય છે. વિક્રેતાઓ ફરીથી પોતાની લારી લઈ આવે છે અને ફરી ત્યાં જ વેચાણ કરે છે. કોઈપણ પ્રકારનો ઉકેલ મનપા દ્વારા લાવવામાં આવતું નથી અને તેને પરિણામે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હોય છે. મનપા માત્ર દેખાવ ખાતર લારીઓ ઉંચકી જાય અને ફરી તેમને સોંપી દે છે. જે વિસ્તારમાં ફ્રુટ વિક્રેતા કે શાકભાજીવાળા દબાણ કરતા હોય છે તે વિસ્તારમાં એક સાથે આટલી બધી લારીઓ મુકાઈ જાય ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કઈ કામગીરી કરે છે. તેનો ખુલાસો તેમણે આપવો જોઈએ. એકવાર કાર્યવાહી થયા પછી એ વિસ્તારમાં લારી ન લગાડવા માટે તેઓ વિક્રેતાઓને કયા પ્રકારનું સૂચન કરે છે તે પણ તેમને કહેવું જોઈએ.
પોલીસ અને એસઆરપીની મદદથી દબાણ હટાવ્યું
કતારગામ ઝોનની અંદર દબાણ ખાતાએ સ્થાનિક પોલીસ અને એસઆરપીની મદદ લઈને દબાણ કરનાર ફ્રુટ વિક્રેતાઓને લારીઓને ઊંધી વાળી દીધી હતી. જેને લઈને થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ થઇ ગયું હતું. મનપાના કર્મચારી અને ફ્રુટ વિક્રેતા વચ્ચે ઘર્ષણ થાય તેવી પૂરી શક્યતા દેખાતી હતી. પરંતુ એસઆરપીના જવાનો સાથે હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહી હતી. મનપાના કર્મચારીઓના વર્તનથી ફ્રુટ વિક્રેતાઓએ ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.