વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો ખૂબ જ જોરથી ચાલી રહ્યો છે. તેવી જ રીતે અલગ અલગ સંગઠનના લોકો પણ રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં આજે સુરત ખાતે જોડાયા હતા.સાથે જ 40 આગેવાનોને પણ સી.આર.પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતાં.
પાસના ભાવનગરના કન્વીનરે ભાજપનો ખેસ પહેર્યો
પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નિતીન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સુરત ઉધના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ 40 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હતા. કમલમ ખાતે 40 આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયા હતા.
રાજકીય રીતે અસર કરશે
પાટીદાર અનામત આંદોલન સમિતિના ચહેરા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સુરત શહેરની વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી ઉભા રહેતા હવે પાસના કોઈપણ ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં કે, અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો સ્વાભાવિક રીતે તેની રાજકીય ચર્ચા શરૂ થઈ જતી હોય છે. ભાવનગરની પાસ ટીમના કન્વીનર નિતીન ઘેલાણી ભાજપમાં જોડાઈ જાય તો હવે આમ આદમી પાર્ટીને તેઓ નુકસાન પહોંચાડશે કે, કેમ તેને લઈને પણ ચર્ચા થઈ ચાલી રહી છે.
કોઈ ફરક નહીં પડે: અલ્પેશ કથીરિયા
ભાવનગરથી પાસ ટીમના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે સી આર પટેલની હાજરીમાં જોડાતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે. ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ પૈસા છે. તેઓ પૈસાના જોરે કોઈને પણ ખરીદી શકે છે. પરંતુ આ વખતે તેઓ મતદારોને ખરીદી શકવાના નથી. મતદારોએ પરિવર્તનનો નિર્ણય લઈ લીધો છે. નિતીન ઘેલાણી ભારતીય જનતા પાર્ટીમાં ભલે જોડાયા હોય તેનાથી એક મત પણ આમ આદમી પાર્ટીનો ઓછો થવાનો નથી. એનાથી વિપરીત 10 મત વધુ અમને મળશે એ વાત ચોક્કસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.