CMને રજૂઆત:PMEGP સ્કીમમાં સુરતની 4 હજાર અરજી પેન્ડિંગ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના નાના ઉદ્યોગ સાહસિકો વેપાર – ઉદ્યોગની દિશામાં આગળ વધી શકે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા હેતુ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) સ્કીમ બહાર પાડવામાં આવી છે, પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી સુરતના ઉદ્યોગકારોની 4 હજાર અરજી પેન્ડિંગ છે.

આ સમસ્યાનો નિકાલ કરી જૂની અરજીનો નિકાલ કરવા અને નવી અરજીઓ મંજૂર થાય તે માટે ચેમ્બરના માજી પ્રમુખ દિનેશ નાવડિયાએ સીએમને રજૂઆત કરી હતી. ગુજરાત સરકારના કુટીર ઉદ્યોગ વિભાગ તરફથી નાના ઉદ્યોગ સાહસિકોની અરજીને મંજૂરી અપાઈ છે. તમામ જિલ્લાની અરજી સ્વીકારાઈ છે પરંતુ એક માત્ર સુરતના ઉદ્યોગ સાહસિકોની દોઢ વર્ષથી અરજી સ્વીકારાતી નથી. નવી અરજીઓ તો સ્વીકારાતી જ નથી પણ જૂની અરજીમાં પણ કોઈ સુધારાની મંજૂરી મળતી નથી. જેથી સીએમએ 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

ચેમ્બરે મુખ્યમંત્રીને આ રજૂઆતો પણ કરી

  • હાલમાં ઉદ્યોગકારોને પ્રોજેકટ કોસ્ટ/કેપીટલ કોસ્ટ પર લાગતા જીએસટીની રકમને બેંકો દ્વારા કુલ ધિરાણની રકમમાં ગણતરી કરવામાં આવતી નથી. આથી કુલ ધિરાણની જરૂરિયાતમાં જીએસટી રકમનો પણ સમાવેશ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
  • હાલમાં એમએસએમઇમાં એક બેંકમાંથી બીજી બેંકમાં લોન ટ્રાન્સફર કરતી વખતે બેંકો દ્વારા પેનલ્ટી લગાવવામાં આવે છે. આથી બેંકો દ્વારા પેનલ્ટી નહીં લગાવવામાં આવે તે માટે રજૂઆત કરાઇ હતી.
  • હાલમાં આરબીઆઇના કરન્ટ એકાઉન્ટ માટેના સકર્યુલર મુજબ ઉદ્યોગકારોએ એક બેંકમાંથી ધિરાણ લીધું હોય તો તેઓ અન્ય બેંકના કરંટ એકાઉન્ટમાંથી પેમેન્ટ નહીં કરી શકે. આથી આ સકર્યુલરમાં રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
  • હાલમાં બેંક દ્વારા કોન્ટ્રાકટરના કેસમાં કોન્ટ્રાકટની પફોર્મન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કલેઇમ અને વેલિડીટી પિરિયડ પણ પૂર્ણ થયા બાદ બેંક દ્વારા તેઓની પફોર્મન્સ બેંક ગેરંટી પરનો ચાર્જ રિલીઝ કરાતો નથી. આથી બેંકો દ્વારા તેઓના ગ્રાહક વતી પીબીજી ઇશ્યુ કરી હોય અને તેનો કલેઇમ અને વેલિડીટી પિરિયડ પૂર્ણ થઇ ગઇ હોય તો આપોઆપ એના પર લાગેલા ચાર્જ રિલીઝ થવો જોઇએ તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...