બિહાર રાજ્યના કઠીયાર જિલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે ગત 8 ડિસેમ્બરના રોજ ગેંગવોર થઇ હતી. આ ગેંગવોરમાં 5 ઈસમોની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કુખ્યાત મોહના ઠાકુર ગેંગના સાગરીતોને સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને બિહાર એસ.ટી.એફ.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા છે. કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિહાર ગેંગવોરના 4 હત્યારાઓ સુરતથી ઝડપાયા
બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં બે કુખ્યાત ગેંગો વચ્ચે એક મહિના પહેલા ખૂબ જ મોટી ગેંગવોર થઈ હતી. આ ગેંગ વોરમાં સામસામે ફાયરીંગ થયા હતા. તેમાં પાંચ જેટલા ગેંગના સાગરીતોની હત્યા થઈ ગઈ હતી. ત્યારે બિહાર પોલીસે ગેંગવરના સામે કાર્યવાહી કરી ફાયરિંગ અને હત્યા કરનારને પકડી રહી છે. ત્યારે મોહના ઠાકોર અને પિંકુ યાદવ વચ્ચેની ગેંગવોરમાં ફાયરિંગ કરી હત્યા કરનાર મોહના ઠાકોર ગેંગના ચાર મુખ્ય સાગરીતો સુરત તરફ આવ્યા હોવાની માહિતી બિહાર પોલીસને મળી હતી. જેને આધારે બિહાર એસટીએફની ટીમ સુરત શહેરમાં આવી હતી અને બિહારમાં ગેંગવોરમાં 5 ઈસમોની હત્યા કરનાર આરોપીઓ સુરત શહેરમાં ફરતા હોય તેને પકડવા જરૂરી મદદ માંગી હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગોડાદરા દેવધ ચેકપોસ્ટ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ગંગા નદી કિનારે જમીનની લડાઈ માટે થઈ હતી ગેંગવોર
ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીઆઈ લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, બિહાર રાજ્યમાં આવેલા કઠીહાર જિલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ અવર નવર ચાલતી હોય છે. તેઓ જમીન, પાણી અને મિલકતો ઉપર પોતાનો કબજો જમાવવા અવાર નવાર એકબીજા ઉપર હુમલો કરતા આવ્યા હતા. આ બંને ગેંગ વિરુદ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો. જે બાબતની અદાવત રાખી બંને ગેંગ વચ્ચે 8 ડીસેમ્બર 2022ના રોજ મોહન ઠાકુર ગેંગના 23 સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થઇ હતી.
બંને વચ્ચે ત્રણ કલાક થયું સામસામે ફાયરિંગ
વધુમાં પીઆઇ લલિત વાગડિયા જણાવ્યું હતું કે, તેઓ વચ્ચે આર્મ્સ અને દારૂગોળાના હથીયારો સાથે લઇ એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગેંગવોરમાં મોહના ઠાકુર ગેંગ દ્વારા પીંકુ યાદવ ગેંગના લીડર પીંકુ યાદવ સહીત અન્ય 4 ઈસમોની હત્યા કરી તેઓની લાશને ગંગા નદીના પાણીમાં નાખી દેવામાં આવી હતી. ત્યારબાદ તમામ સાગરીતો ફરાર થઇ ગયા હતા જે પૈકીના 4 આરોપીઓની સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મોહના ઠાકુર ગેંગ વિરુદ્ધ હત્યા,ખંડણી ,લૂંટ સહિતના અનેક ગુનાઓ
વધુમાં જણાવ્યું હતું મોહના ઠાકુર ગેંગ વિરુદ્ધ હત્યા, ખંડણી, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, વિગેરે જેવા સંખ્યાબધ ગુનાઓ બિહાર રાજ્યના કથીયાર જિલ્લામાં નોંધાયેલા છે. તેમજ ઝડપાયેલા ચારેય આરોપીઓને બિહાર ખાતે લઇ જવાના હોવાથી તેઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓના ૦૯ જાન્યુઆરી ૨૦૨૩ સુધીના ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી આરોપીઓનો કબજો બિહાર એસટીએફને સોપવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી શાર્પ શૂટર
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પકડેલ આરોપીઓ ની વાત કરવામાં આવે તો સુમરકુવર ફાગુકુવર ભૂમિહાર [ઉ.૨૬],ધીરજસિગ ઉર્ફે મુકેશસિંગ અરવિંદસિંગ [ઉ.૧૯],અમન સત્યેન્દ્ર તિવારી [ઉ.૧૯],અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાય [ઉ.૨૧] છે. આ તમામ આરોપીઓ વિશે માહિતી આપતા સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ વધુમાં જણાવ્યું હતું કે મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતો હતો. ગેંગવોરમાં ૫ લોકોની હત્યા કરવામાં આવી હતી. જે પૈકીના પકડાયેલા આ મુખ્ય ૪ શાર્પશુટરો છે. સુરત જિલ્લામાં પોતાની ઓળખ છુપાવી વસવાટ કરતા હોવાની માહિતી બિહાર એસટીએફને મળી હતી અને બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાંચ અને બિહાર એસટીએફ દ્બારા આરોપીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.