તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પીઆઇ સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ, દુર્લભભાઇનો ‘હિસાબ’ પૂરો કરવા બોડાણાએ 15 લાખ લીધાની શંકા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓના બેંક એકાઉન્ટથી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે, આરોપીઓ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર હોય તેવી આશંકાને પગલે ટીમો રવાના

આત્મહત્યા કરનાર દુર્લભભાઈ અને કિશોર કોશિયા વચ્ચે વિવાદ થતા વેસુ વિસ્તારમાં ઓફિસમાં બેસતી ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકીએ રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર લક્ષ્મણ બોડાણાને આ કામ સોંપ્યું હતું. બોડાણાએ દુર્લભભાઈને બહુજ ત્રાસ આપ્યો હતો. ટોળકી સાથે સંકળાયેલા લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બોડાણાએ આ કામ કરવાના એડવાન્સમાં 15 લાખ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. જિલ્લા પોલીસ તપાસ કરે તો આ ટોળકીનો પર્દાફાશ થઈ શકે છે.

આરોપીઓના બેંક વ્યવહારોની તપાસ શરૂ કરાય છે. એસઆઈટીએ શહેરની તમામ બેંકોની મુખ્ય શાખાઓને લેખિતમાં જાણ કરી છે. જેનાથી આરોપીઓના બેંકના ટ્રાન્જેકશનો બાબતોના પણ અનેક રાજ ખુલશે, સાથે ટીમ આરોપીને પકડવા માટે રાત-દિવસ ગમે ત્યારે તેના ઘરે છાપો મારી રહી છે. સાથે સંબંધીઓને ત્યાં તપાસ કરી રહી છે. પરિવારના સભ્યોના પણ પોલીસ નિવેદનો લઈ રહી છે અને આરોપી કયા છે તે બાબતે તપાસ કરી રહી છે. આરોપીઓ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં હોય તેવી આશંકાને પગલે ટીમો બહારગામ પણ રવાના કરાઇ છે. ફરિયાદી અને સાહેદોનું કોર્ટ સમક્ષ 164નું નિવેદન લેવા માટેની પણ પ્રોસેસ કરવામાં આવશે.

ડીસીપીએ કરેલી ઇન્ક્વાયરીમાં ગેરરીતિ થઇ હોવાનું ફલિત થયું
દુર્લભભાઈ આપઘાત કેસમાં પીઆઈ બોડાણા સહિત 4 પોલીસ કર્મીઓને પોલીસ કમિશનરે સોમવારે સસ્પેન્ડ કરી દીધા છે. 42 કરોડોની પીસાદની જમીનમાં કબજો કરવા માટે બિલ્ડરોના ઈશારે પીઆઈ બોદાણા તેના પોલીસકર્મીઓ સાથે જમીનમાં સોપારી ફોડવા માટે બારોબાર ખેલ કરવા ગયા હતા. ખેડૂત દુર્લભભાઈ અને તેના પુત્રોને પોલીસે ધમકાવ્યા હતા. જેના કારણે દુર્લભભાઈને આપઘાત કરવાની નોબત આવી હતી. આ કેસમાં માંડવી પોલીસમાં રાંદેર પીઆઈ બોડાણા સહિત ચારેય પોલીસકર્મી સહિત 10 જણા સામે ગુનો નોંધ્યો હતો. પીઆઈ સહિત 4 કર્મીઓની સામે ગુનો દાખલ થતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી ઝોન-4ના મહિલા ડીસીપીને સોંપી હતી. જેમાં ડીસીપીએ મૃતકના સંતાનોનાં ઉપરાંત રાંદેર પોલીસના કર્મીઓના નિવેદનો નોંધ્યા હતા. જેમાં ચારેયની સંડોવણી હોય એવુ બહાર આવ્યું હતું. ઈન્કવાયરીનો રિપોર્ટ ડીસીપીએ પોલીસ કમિશનરે સુપરત કર્યો હતો. જેના આધારે સીપીએ રાંદેર પોલીસના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, ઉધના પોલીસનો કોન્સ્ટેબલ વિજય શિંદે, રાંદેર પીઆઈ રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો પોલીસનો કેશિયર અજય બોપાલાને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

જયંત CCTVમાં વિજય શિંદેની સાથે બાઇક પર જતો દેખાયો
વિજય શિંદેએ બળજબરી સાટાખત લખાવી લેવાની જે તપાસ થઈ રહી છે તેમાં એક નવી વાત સામે આવી છે. તે દિવસે જયંત બાઇક લઈને વિજયની ઓફિસે ગયો હતો. જ્યાંથી બંને દુર્લભભાઈના ઘરે ગયા હતા અને પછી પાછા આવ્યા હતા. આ બધી બાબતો અન્ય સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. પોલીસે વિજય શિંદેની ઓફિસનું તથા દુર્લભભાઈના ઘરનું ડીવીઆર સહિત કુલ પાંચ ડીવીઆર કબજે લીધા છે, જેની તપાસ થાય તો હજુ ઘણા તથ્યો બહાર આવશે.

કોન્સ્ટેબલ સાથે દુર્લભભાઈના નાના પુત્રએ નવરાત્રિ યોજી હતી
દુર્લભભાઈના નાનો પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ વિજય શિંદેએ નવરાત્રિમાં પણ સાથે આયોજન કર્યું હતું. બન્ને મિત્રો હોવાની પણ વાત સામે આવી રહી છે. જમીનના મામલે વિવાદ ઉભો થતા દુર્લભભાઈના નાના પુત્રએ વિજય શિંદે અને મુકેશની મદદ લીધી હતી. પછી રૂપિયા જોઇ બન્ને સામેની પાર્ટીમાં ચાલી ગયા હતા.

ગુનો દાખલ થતા આરોપીએ એકબીજા સાથે વાત કરી હતી
દુર્લભભાઈએ આપઘાત કર્યો તે વાતની ખબર પડતાની સાથે તમામ આરોપી એકબીજા સાથે વાત કરી હોવાનું કોલ ડિટેઇલ્સમાં બહાર આવ્યું છે. આરોપી રાજકારણી અને કરોડપતિ બનેલા જમાદાર વતી સમાધાન કરાવવા ઘણા પ્રયાસ પડદા પાછળ ચાલી રહયા હોવાની વાતો પોલીસબેડામાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...