આગામી અઠવાડિયામાં શહેરમાં એક સાથે ચાર પોલીસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યા છે. આ પોલીસ સ્ટેશન શરૂ થવાથી પોલીસને કાયદા અને વ્યવસ્થાની જાળવણી કરવામાં પણ બહુ આસાની રહેશે. બીજી તરફ લોકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને લોકોને ન્યાય મેળવવામાં પણ સરળતા રહેશે. લોકોના જાનમાલની સુરક્ષા માટે નવા પોલીસ સ્ટેશન શરૂ કરાઈ રહ્યા છે. સુરતના મોટા અને વધુ ગુનાખોરીવાળા પોલીસ સ્ટેશનો પૈકીના ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી કેટલોક વિસ્તાર અલગ તારવીને અલથાણ પોલીસ સ્ટેશન શરૂ કરાશે. તેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
પુણા પોલીસ સ્ટેશનમાંથી અમુક વિસ્તાર અલગ તારવીને સારોલી નવું પોલીસ સ્ટેશન શરૂ કરાશે. અમરોલીમાંથી ઉત્રાણ પોલીસ સ્ટેશન શરૂ કરાશે તેવી જ રીતે અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન અલગ કરાશે. સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગૃહ મંત્રાલયના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાંથી જુના ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી અને ઉત્રાણમાં જુના અમરોલીમાંથી વિસ્તાર જશે પરંતુ પુણામાંથી છુટા પડેલા સારોલી પોલીસ સ્ટેશનમાં સરથાણાની હદમાં આવતું સણિયા હેમાદ ગામ અને તેની ચેક પોસ્ટ જશે.
તેમજ અડાજણમાંથી અલગ થનાર પાલ પોલીસ સ્ટેશનની હદમાં ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના ભાઠા ગામનો હિસ્સો જશે. નવા પોલીસ મથકોને કારણે અંદાજે 7 લાખ લોકોને લાભ થશે, જેમાં પાલની 1.5 લાખ, અલથાણની 1.5 લાખ, ઉત્રાણની 2 લાખ અને સારોલીની 2 લાખની વસતીનો સમાવેશ થાય છે.
નવા પોલીસ સ્ટેશનોથી સ્થાનિકોને આ ફાયદા થશે
જુના પોલીસ સ્ટેશનોનો વિસ્તાર બહુ મોટો હતો. તેથી જરૂરીયાતમંદ લોકોને પોલીસ સ્ટેશન જવું હોય તો બહુ દૂર સુધી જવું પડતું હતું. હવે નવા પોલીસ સ્ટેશન શરૂ થવાથી લોકો ઝડપથી અને સરળતાથી નવા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકશે. પોલીસ સ્ટેશન વિસ્તાર હવે નાનો થવાથી પોલીસને પણ કાયદો- વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહેશે. વધારે અસરકારક પેટ્રોલિંગ કરી શકશે, પોલીસ ઝડપથી કોઈ પણ બનાવના સ્થળે પહોંચી શકશે. નવા પોલીસ સ્ટેશનોના કારણે, વધુ મહેકમ મળશે, વધુ વાહનો મળશે. તેથી પોલીસ પરથી કામનું ભારણ ઓછું થશે, અને કામની વહેંચણી પણ સારી રીતે થઈ શકશે. જેથી લોકોને ઝડપથી ન્યાય મળી શકશે.
અેક્સપર્ટ ,સતીશ શર્મા, રિટાયર્ડ પોલીસ કમિશનર
સુરતમાં હજુ ઘણી ચેલેંજ હોવાથી મહેકમ વધવી જરૂરી
સુરત શહેરની વસ્તી બહુ ઝડપથી વધી રહી છે. હાલ વસ્તી અને વિસ્તાર બહુ મોટો છે. બીજી તરફ હીરા બુર્સ અને મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી મજૂરો બહુ આવે છે, તેથી પોલીસ મથકોના વધારા સાથે મહેકમ અને વાહનો વધારવાની પણ જરૂર છે.
‘અમારી તમામ તૈયારી પૂરી, સરકારના આદેશની રાહ’
નવા પોલીસ સ્ટેશન શરૂ થવા મામલે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, નવા પોલીસ સ્ટેશન શરૂ કરવા માટેની અમારી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકાર આદેશ કરશે એટલે પોલીસ સ્ટેશનો શરૂ કરી દઇશું. નવા પોલીસ સ્ટેશનોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં મહેકમ પણ વધારવામાં આવશે.
હજુ એક પોલીસ સ્ટેશન ઉમેરાશે
આ ચાર પોલીસ સ્ટેશન શરૂ કરાયા બાદ વધુ એક પોલીસ સ્ટેશન વેસુમાં શરૂ કરાશે. જેમાં ઉમરાનો અમુક વિસ્તારનો સમાવેશ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.