સુરત હવે મૃત્યુદંડ આપવાનું કેપિટલ બની રહ્યું છે. સુરતની કોર્ટમાં છેલ્લા 142 દિવસમાં ચાર કેસમાં ફેનિલ સહિત ઘાતકી હત્યારાઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા સિવાયના ત્રણ કેસમાં બાળકીઓ સાથે હેવાનિયત આચરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. કોર્ટે આ તમામ કેસ રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યા હતા.
કોર્ટે ગ્રીષ્માની હત્યાનો કેસ રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યો
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલાં કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર હતાં. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
7 માર્ચઃ કિશોરી અને તેની માતાની હત્યા કરનાર એકને ફાંસી, એકને આજીવન કેદ
6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં આ લાશ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતું. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકીં દીધી હતી. બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતાં પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બંને માતા-પુત્રી હોવાનું ખૂલ્યું હતું. નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી હતી. કારના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલા ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતાં 4 માર્ચના રોજ કોર્ટમાં બન્ને આરોપીઓને તકસીવરા ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે આજે બંને આરોપીમાંથી હર્ષસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદ ફટકારવામાં આવી છે.
16 ડિસેમ્બરઃદુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરનારાને ફાંસી
સુરતના પાંડેસરામાં ડિસેમ્બર-2020માં માત્ર 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટોના ઘા મારી પાશવી હત્યા કરનારા આરોપી દિનેશ બૈસાણેને સેશન્સ કોર્ટે 16 ડિસેમ્બરના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એન.એ.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામની તપાસ-ઊલટતપાસ બાદ કોર્ટે તાબડતોબ ફાંસીની સજા સંભળાવી હતી. તમામ વૈજ્ઞાનિક પુરાવા જોતાં વડાપાઉંની લાલચ આપીને દુષ્કર્મ આચરનારા દિનેશને કોર્ટે કોઈ જ રહેમ ન રાખીને ફાંસીના માચડે લટાવવાનો હુકમ કર્યો હતો.
7 ડિસેમ્બરઃ 10 દિવસમાં જ સુરતમાં રેપના આરોપીને ફાંસીની સજા
સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે 4 નવેમ્બરના રોજ દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ગુડ્ડુ યાદવને દોષી ઠેરવી સેશન્સ કોર્ટે 7 ડિસેમ્બરે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં પણ પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. 6 ડિસેમ્બરે આરોપીને આ કેસમાં દોષી ઠેરવાયો હતો, અને 7મીએ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી, સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.