રાહત:સચિનના બ્રિજ પર આજે ડાયવર્ઝન, મરામતથી 4 લાખ લોકોને રાહત થશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ સિઝનમાં ભારે વરસાદથી સાતવલ્લા બ્રિજ પર માેટાં ખાડા પડી ગયા હતા
  • ​​​​​​​બાજુનો તુટી ગયેલો જૂનો પુલ નવો બનાવવા સચિન GIDCની રજૂઆત

ભારે વરસાદના કારણે સચિન સાતવલ્લા પુલ બિસ્માર થયો હતો. જેથી તા. 7 ઓક્ટોબરને ગુરુવારના રોજ રોડનું રિપેર કામ કરવામાં આવશે. જેને પગલે પુલ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જેના વિકલ્પ સ્વરૂપે સાતવલ્લા ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. સચિન સાતવલ્લા પુલ પર વાહનચાલકોને સરળતા રહે તે માટે રિપેર કરવાની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી આજે ગુરૂવારે આ રોડનું મરામત કાર્ય હાથ ધરાનાર છે.

આ કામગીરીને લઈને વાહનચાલકોને અગવડ નહીં પડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે મુજબ જીઆઈડીસી ગેટ નં.1 પાસેથી ગભેણી ચાર રસ્તા તરફ જઈ બ્રિજ ઉપર જઈ શકાશે. આશિષ હોટલ તરફથી આવતા જમણી બાજુ વળી સર્વિસ રોડ ઉપરથી બ્રિજ ઉપર જઈ શકાશે. સચિન તરફથી આવતા પલસાણા પોઇન્ટ સર્કલ પરથી બંને બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરી બ્રિજ ઉપર અવરજવર કરી શકાશે. પુલ ઉપરના રોડનું સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની સુચના આપ્યા સિવાય વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કરી દેવામાં આવશે.

તુટી ગયેલો પુલ બનાવવા ફરી માંગ કરાઈ
સચિન જીઆઈડીસી એસોસિએસનના મહેન્દ્ર રામોલિયા કહે છે કે, ‘આ રોડ ખરાબ હોવાન કારણે ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સચિન સાતવલ્લા પુલની બાજુમાં જુનો પુલ હતો તે પડી ગયો છે. તે પુલ નવો બનાવવા માટે પણ સચિન જીઆઈડીસી એસોસિએસન દ્વારા માંગણી કરવામાં આવી છે. અને સુડામાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે.

સચિન સાતવલ્લા બ્રિજ ખરાબ હોવાને કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજીરા પટ્ટી પર આવેલા કંપનીઓમાં ભારે વાહનો પણ આ જ રસ્તા પરથી પસાર થાય છે. ખરાબ રસ્તાને કારણે પિક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. વાહન ચાલકોને અકસ્માત થવાનો પણ ભય રહે છે. બીજી તરફ સચિન જીઆઈડીસીના ગેટ નંબર 1 પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેના કારણે જુનો સાતવલ્લા પુલ જે તુટી ગયો છે તેને ફરી બનાવવા માટે સચિન જીઆઈડીસી એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે અને સુડામાં પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...