કોરોનાનો કહેર:રાંદેરની લોકમાન્ય શાળામાં ધો.12 સાયન્સના 3 વિદ્યાર્થી અને શિક્ષક સહિત 4 સંક્રમિત થયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર પૈકી એકમાં જ લક્ષણ જોવા મળ્યા, ધોરણ 12 સાયન્સના વર્ગો બંધ કરાવાયા
  • રાંદેર વિસ્તારની 8 સ્કૂલોમાં 518 લોકોનું ટેસ્ટિંગ, અન્ય એક પણ કેસ ન આવતા આંશિક રાહત

શહેરમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળાના સ્ટાફમાં કોરોના પોઝિટીવ કેસ જોવા મળી રહ્યા છે, આ સ્થિતિ વચ્ચે શુક્રવારે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ધો.12 સાયન્સના 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી રાંદેર ઝોનની આરોગ્ય વિભાગની ટીમે ધો.12 સાયન્સના તમામ વર્ગખંડો બંધ કરાવવા માટે શાળા સંચાલકોને નોટિસ આપી છે.

મોરાભાગળ મોરારજી નગરમાં લોકમાન્ય વિદ્યાલય સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શંકાસ્પદ લક્ષણો જણાતા જહાંગીરપુરા ચેક પોસ્ટ પર કોરોના ટેસ્ટીંગ સેન્ટર ઉપર જઇ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટીવ આવતા પાલિકાની ટીમે તેણીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટીંગ દરમિયાન શાળાના ધો.12 સાયન્સના અન્ય બે વિદ્યાર્થી સાથે સાયન્સના જ એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે પાછળથી પોઝિટીવ આવેલા ત્રણેયમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા ન હતા.

આ અંગે રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.ગરાસિયાએ જણાવ્યું કે, આ સાથે ધો.12 સાયન્સના વર્ગો 14 દિવસ સુધી બંધ રાખવા માટે તાકીદ કરાઇ છે. શુક્રવારે રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી 8 સ્કૂલોમાં 511 લોકોનું ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં આ એકપણ કેસ સામે આવ્યો નથી. બીજી બાજુ તરસાડી- કોસંબામાં ચૂંટણી ફરજ પર ગયેલા પાંચ શિક્ષકો સહિત એક જ શાળાના 9 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.

સુરતમાં કેસો વધવાનંુ શરૂ, નવા 110 પોઝિટિવ નોંધાયા
શુક્રવારે શહેરમાં નવા 101 અને જિલ્લામાં નવા 9 કેસ મળી કુલ 110 કેસ સામે આવ્યા હતા.જોકે શહેરમાં 75 અને જિલ્લાના 7 લોકો મળી કુલ 82 લોકોને સાજા મળી છે. શુક્રવારે એકપણ વ્યક્તિનું કોરોનમાં મોત નીપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કુલ કોસ 54285 થયા છે. જ્યારે 52,541 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. હાલ શહેરમાં કુલ 607 એક્ટિવ કેસ છે. સિવિલ હોસ્પિટલમાં 5 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે સ્મીમેરમાં 3 લોકો વેન્ટિલેટર પર ,2 લોકો બાયપેપ પર અને 3 લોકો ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. વધી રહેલા કેસોને પગલે પાલિકા તંત્ર માસ્કનો દંડ અને ગાઈડલાઇનના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે.

અન્ય સમાચારો પણ છે...