કોરોના મહાઆપતિ:એક દિવસમાં 4 મોત, સૌથી વધુ 71 કેસ નોંધાયા, 107 દર્દી ગંભીર, છેલ્લા 3 દિવસમાં 185 પોઝિટિવ કેસ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30 દર્દીઓ સાજા થયાં, APMCના એકાઉન્ટન્ટને પણ ચેપ લાગ્યો

શહેર-જીલ્લામાં શનિવારે સૌથી વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાની વિકટ થઇ રહેલી સ્થિતી અંગે પાલિકા કમિશનરે કહ્યુ હતું કે ‘સુરત શહેરમાં હાલ 107 દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે સાત લોકો વેન્ટિલેટર પર છે. 19 દર્દીઓ એવા છે જેઓ બાઇપેપ પર છે.

છુટછાટ મળતા જો લોકો એવું માનતા હોય કે લોકડાઉન ખુલી ગયું છે તો ભવિષ્યમાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોની સંખ્યા 185 પર પહોંચી છે. વધતા કેસો જોતા લોકોએ ગંભીરતા સમજવી પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને જરૂરી તકેદારીનું પાલન કરવું જ પડશે.શહેરમાં 59 અને જિલ્લામાં 12 સહિત શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 71 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1660 થઈ ગઈ છે. શનિવારે શહેરમાં એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે કોરોનાનો કુલ મૃતાંક 72 થઈ ગયો છે.  શનિવારે શહેરમાં 29 અને જિલ્લામાં 1 દર્દી મળી 30 કોરોના પોઝિટવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 

સાડી તેમજ કાપડની દુકાન અને લારી ચલાવનારા પણ કોરોનાની ઝપટમાં
ડભોલી, એલિફંટા હાઇટ્સ ખાતે રહેતા અને સાડીની દુકાન ધરાવતા વિશાલ નાદોદ (38)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે લિંબાયત, શિવાજી નગર ખાતે રહેતા અને કપડાની દુકાન ચલાવતા અમિત જૈન (35નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અમરોલી આવાસ ખાતે રહેતા મુખ્તાર ફકીર સિદ્દીક (ઉ.વ.36) કપડાની લારી ચલાવે છે. તેઓને પણ ચેપ લાગ્યો છે.

પોઝિટિવ દર્દી નેગેટિવ હોવાનો મેસજ ફરતો થયો
ભીમપોર લંગર પાસે એક્વાટીકામાં વોચમેન તરીકે નોકરી કરતા ભીમપોર નાનાહીરા સ્ટ્રીટ ખાતે રહેતા 60 વર્ષના પરમાનંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર જાણી જોઇને એવી અફવા ફેલાવી હતી કે પરમાનંદનો રિપોર્ટ નેગેટીવ છે. 

લેબોરેટરી કર્મચારીનો રિપોર્ટ પણ પોઝિટિવ
બર્ડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રકાશ નવીન પટેલ (42) ચેપગ્રસ્ત થયા છે. તેવી જ રીતે બેગમપુરા ખાતે રહેતા કૈઝરભાઈ તૈયબભાઈ ચુનાવાલા(ઉ.વ.69) લેબોરેટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

મૃત્યુ પામનારા 3ની ઉંમર 62થી વધુ હતી

શનિવારના રોજ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં કોરોનાની સારવાર લઈ રહેલા 4 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમા વરાછા હીરાબાગ પાસે સમા સોસાયટી ખાતે રહેતા  કલ્પેશભાઈ વિરજીભાઈ મારકણા(34) ગઈ તા.28 મેના રોજ કોરોનાના લક્ષણો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. દરમિયાન તેમને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું. તેવી જ રીતે કોસાડ આવાસ ખાતે રહેતા ગોવિંદભાઈ મૂળજીભાઈ સલાટ(63)ને પણ હૃદયની બીમારી હતી. તેઓ 28મીએ દાખલ થયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કોસાડ આવાસમાં રહેતા શિવરામ મથંતીભાઈ પરીડા(65)ને કીડનીની તકલીફ સાથે કોરોનાના લક્ષણો જણાતા ગઈ તા.14 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ઉધના જલારામ નગર ખાતે રહેતા દેવનારાયણ ગુજ્જર વર્મા(81) હૃદયની તકલીફ સાથે દાખલ થયા હતાં જેમનું મૃત્યુ શનિવારે થયું હતું.
એપીએમસીના એકાઉન્ટન્ટ, એન્જિનિયરીંગ કર્મચારી પણ ઝપેટમાં
પરવત પાટીયા જય જલારામ સોસાયટી-૧, ખાતે રહેતા કમલેશભાઇ ગમનલાલ પસ્તાગિયા (52) એપીએમસીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જેઓ ચેપગ્રસ્ત થયા છે. એપીએમસીના ઘણા શાકભાજી વિક્રેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમાંથી કોઈકનો ચેપ લાગ્યો હોવાની શંકા છે. કતારગામ, પારસ સોસાયટી ખાતે રહેતા અને એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા બંકિમભાઈ કંસારા (51) ચેપગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...