શહેરમાં અઢી હજારથી વધુ ઈલેક્ટ્રિક બાઈકના ધારકોને રાજ્ય સરકારની મળવા પાત્ર સબસિડીની રકમ હજુ સુધી મળી નથી. ગ્રીન અને સ્વચ્છ એનર્જી તરફ લોકો વળે તે માટે એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રાત્સાહન આપી રહી છે, પરંતુ 6 મહિના પહેલા ઈલેક્ટ્રિક બાઈક ખરીદનારા શહેરના વાહનધારકોને હજી સુધી સબસિડી મળી નથી. એક ઈલેક્ટ્રિક બાઈકને અંદાજે 18થી 20 હજાર રૂપિયા સુધીની સબસિડી મળે છે. આમ અંદાજે કુલ 4 કરોડ રૂપિયાથી વધુની સબસિડીની રકમ હજુ સુધી ધારકોને મળી શકી નથી.
કેન્દ્ર સરકારની ફેમ અંતર્ગત ઈલેક્ટ્રિક વ્હિકલને સબસિડી આપવામાં આવે છે. ફેમના ધારા-ધોરણ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પણ સબસિડી આપવામાં આવતી હતી. ગત સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફેમની સબસિડીમાં ફેરફાર કરીને અમુક ઈલેક્ટ્રિકલ બાઈકને સબસિડીમાંથી બાકાત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ આવી સબસિડી આપવાની બંધ કરવામાં આવી હતી.
જોકે, ગત વર્ષે આ અગાઉ પણ જે લોકોએ ઈલેક્ટ્રિક બાઈકની ખરીદી કરી તેવા વાહનધારકોને પણ સબસિડી મળી નથી. શહેરમાં ઈલેક્ટ્રિક બાઈકનું વેચાણ કરનારા ડીલરોના કહેવા પ્રમાણે અઢી હજારથી વધુ ઈલેક્ટ્રિક બાઈકના ધારકોને સબસિડી મળી નથી. આ બાબતે શહેરના ડીલરો દ્વારા થોડાં સમય પહેલાં શહેરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી અને ટ્રાન્સપોર્ટ વિભાગને આ મુદ્દે રજૂઆત કરી હતી તેમ છતાં હજી આ કોકડું ઉકેલાયું નથી.
વાહન ખરીદીના ત્રણ જ દિવસમાં સબસિડી મંજૂર કરવાનો નિયમ
ઈ-વ્હિકલમાં સબસિડી આપવા બાબતે રાજ્ય સરકારનો નિયમ હતો કે, ‘જે વ્યક્તિ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરે એટલે તેમની ખરીદીના ત્રણ દિવસમાં જ સબસિડી એપ્રુવ થઈ જવી જોઈએ. રાજ્ય સરકારનો આવો સ્પષ્ટ નિયમ હોવા છતાં 6-7 મહિને પણ લોકોને સબસિડી મળી રહી નથી.
ઘણા લોકો ઇ-બાઇક ખરીદવાનું ટાળવા માંડ્યા: વાહન ડીલર
સુરતમાં ઈલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ કરતાં એક ડીલરે કહ્યું કે, ‘ઈલેક્ટ્રિક બાઈક ખરીદનાર ગ્રાહકો ડીલર અને આરટીઓ પાસેથી સબસિડી બાબતે ફોલોઅપ કરે છે, પરંતુ સરકાર સબસિડી છૂટી કરતી નથી. આ સમસ્યાને કારણે ઘણા લોકો હાલમાં ઈલેક્ટ્રિ વ્હિકલ ખરીદવાનું ટાળી રહ્યા છે.
આ મામલે ગાંધીનગર રજૂઆત કરી છે
ગત સપ્ટેમ્બર મહિના પહેલા જેમણે સબસિડી માટે અરજી કરી હોય તેવી અંદાજે 2500 જેટલી ઈલેક્ટ્રિકલ બાઈકની સબસિડી બાકી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે સુરત આરટીઓ દ્વારા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. > મેહુલ ગજ્જર, એઆરટીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.