વ્યાજખોરીના દૂષણને નાબુદ કરવાના સંકલ્પના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા લોન-ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વાલક પાટીયા સ્થિત સ્વામિનારાયણ મિશન ખાતે 2415 જરૂરીયાતમંદોને 37.35 કરોડના લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોની ફરિયાદો સાંભળીને હજારો વ્યાજખોરોને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
વ્યાજખોરોને ગુજરાત છોડી દેવાની ચેતવણી મંત્રીએ આપી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વ્યાજખોરીના દુષણને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ઉપાડ્યું છે. સામાન્ય નાગરિકોનું જીવન બરબાદ કરનારા કોઈપણ ચરમબંધીઓને છોડવામાં આવ્યા નથી. ગુજરાતની પોલીસ રાજ્યભરમાં 3500થી વધુ લોકદરબારો યોજીને સામે ચાલીને નાગરિકોની ફરિયાદો સાંભળીને હજારો વ્યાજખોરોને જેલના સળિયા ગણતા કરી દીધા છે. સામાન્ય અને ગરીબ જનતાને હેરાન પરેશાન કરનારા વ્યાજખોરોને ગુજરાત છોડી દેવાની ચેતવણી મંત્રીએ આપી હતી.
માતાઓના મંગળસૂત્રો તથા ઘરો પરત અપાવવાનું સરાહનિય કાર્ય કર્યું
રાજ્યની પોલીસે વ્યાજખોરો પાસેથી માતાઓના મંગળસૂત્રો તથા ઘરો પરત અપાવવાનું સરાહનિય કાર્ય કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. હર્ષ સંઘવીએ લોનસહાયની જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની પોલીસે 41 વ્યાજખોરો વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને લોન મળે તે માટે લોનમેળા યોજીને માનવીય કાર્ય કર્યું છે.
70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
એ.ડી.જી.પી. પિયુષ પટેલ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવાના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ સહિત સુરત રેન્જ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 2476 લાભાર્થીઓને 37 કરોડથી વધુની લોન સહાય તથા સુરત રેન્જમાં 80 કરોડની સહાય એનાયત કરવામાં આવી છે. 137 ગુનાઓ નોંધી 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી સંધવીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનો અને લોન સહાય મેળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા બેંક અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.